ઇન્ટરનેશનલનેશનલ

USAમાં ફરી ભારતીયનું મૃત્યુ, ઈમારતમાં આગ લાગતા પત્રકારનો જીવ ગયો

મેનહટનઃ અમેરિકામાં ફરી એક ભારતીયના મોતની ઘટના બની છે. આ મોત અકસ્માતમાં થયું હોવાનું અહેવાલો જણાવે છે. ન્યૂયોર્કના મેનહટનમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં પત્રકાર તરીકે કામ કરતા 27 વર્ષીય ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનું નામ છે ફાઝીલ ખાન હોવાનું જાણવા મળ્યું છે.

મેનહટનના હાર્લેમમાં સેન્ટ નિકોલસ પેલેસ 2 ખાતે છ માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આગમાં ફાઝીલ ખાનનું મોત થયું હતું જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.


આ કિસ્સામાં, ન્યુ યોર્ક સિટી ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ લિથિયમ-આયન બેટરીને કારણે થઈ હતી. ખાન ન્યૂયોર્ક સ્થિત મીડિયા કંપની ધ હેચિંગર રિપોર્ટ માટે પત્રકાર તરીકે કામ કરતો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ખાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તે તેના મૃતદેહને ભારતમાં તેના પરિવારને પરત મોકલવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


કોન્સ્યુલેટ જનરલે શનિવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ન્યુયોર્કના હાર્લેમમાં આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિક, ફાઝીલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું છે. કોન્સ્યુલેટ જનરલે વધુમાં કહ્યું કે તે ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છે. અમે તેમના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે શક્ય તમામ મદદ કરીશું. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં ભારતીયોના મોતના મામલા વધી રહ્યા છે.


આ સાથે એક અહેવાલ એમ પણ જણાવ છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી જ્હાન્વી કંડુલાના મોતના મામલામાં આરોપી પોલીસ અધિકારીને કોઈ સજા નહીં મળે. ભારતે આના પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે અમેરિકાને આ મામલાની ફરી તાપસ કરવા કહ્યું છે. તપાસ અધિકારીઓ ના જણાવ્યા અનુસાર આરોપી પોલીસકર્મી સામે પૂરતા પુરાવા મળ્યા નથી અને પુરાવાના અભાવે આરોપી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. ગત જાન્યુઆરીમાં જ્હાન્વીને એક પોલીસ કારે ટક્કર મારી હતી અને તેનું મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button