કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા જેની મદદ માટે આગળ આવી ભારત સરકાર, યમનમાં ફાંસીની સજા મળી છે

યમનમાં કામ કરવા ગયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. યમનના રાષ્ટ્રપતિએ આ સજાને મંજૂરી આપી દીધી છે. આ પછી હવે ભારત સરકાર નિમિષાની મદદ માટે આગળ આવી છે. સરકારે મંગળવારે નિમિષા પ્રિયાના પરિવારને આશ્વાસન આપ્યું છે કે નિમિષા પ્રિયાને બચાવવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સરકાર આ બાબતથી વાકેફ છે અને પરિવારને કાયદાકીય વિકલ્પો શોધવામાં મદદ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયાને 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મેહદીની હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિમિષા 2012માં નર્સ તરીકે યમન ગઈ હતી. 2015માં નિમિષા અને તલાલે સાથે મળીને ત્યાં ક્લિનિક શરૂ કર્યું હતું. તલાલે ક્લિનિકમાં પોતાનું નામ શેરહોલ્ડર તરીકે સામેલ કરીને છેતરપિંડી કરીને અડધી આવક ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાને નિમિષાના પતિ તરીકે રજૂ કર્યો હતો. જ્યારે નિમિષાએ આ અંગે પૂછપરછ કરી તો બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. તલાલે તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને જાતીય સતામણી શરૂ કરી હતી.
હેરાનગતિથી કંટાળીને નિમિષાએ જુલાઈ 2017માં તલાલને એનેસ્થેટિક ઈન્જેક્શન આપ્યું હતું, પણ ઓવરડોઝના કારણે તેનું મૃત્યુ થયું હતું. નિમિષાએ તેની સાથી હનાન (યમનની નાગરિક)ની મદદથી તેના મૃતદેહના ટૂકડા કરી પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા. નિમિષાને આઠ વર્ષનો એક પુત્ર પણ છે. હનાનને આજીવન કેદની સજા થઇ છે. નિમિષા કહે છે કે તલાલને મારવાનો તેનો કોઇ ઈરાદો નહોતો અને તે માત્ર તેનો પાસપોર્ટ પાછો મેળવવા માંગતી હતી જે તલાલ પાસે હતો.
નિમિષાની માતાએ યમન જઈને પોતાની દીકરીને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ યમનની નીચલી અદાલતે નિમિષાને દોષિત માનીને તેને મૃત્યુદંડની સજા સંભળાવી. તે જ સમયે, યમનની સુપ્રીમ કોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. યમનની સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ હવે યમનના રાષ્ટ્રપતિએ આ અંગે નિર્ણય લેવાનો છે.
દીકરીને બચાવવા માટે નિમિષાની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલામાં સુનાવણી દરમિયાન આ બાબતો સામે આવી છે. નિમિષાની માતાએ પણ યમન જવાની પરવાનગી માંગી છે જેથી તે પીડિત પરિવારને ‘બ્લડ મની’ દ્વારા વળતર આપી શકે અને તેની પુત્રીનો જીવ બચાવી શકે.
આ પણ વાંચો…શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…
હવે તમને વિચાર આવશે કે બ્લડ મની શું છે. તો બ્લડ મની એ પૈસા છે, જે દોષિત વ્યક્તિના જીવનને બચાવવા માટે મૃતકના પરિવારને આપી શકાય છે. આ સિસ્ટમ યમન અને અન્ય આરબ દેશોમાં ચલણમાં છે. આ સિસ્ટમ મુજબ મૃતકના પરિવારજનો ઇચ્છે તો હત્યારા સાથે સમાધાન કરી શકે છે અને થોડા પૈસા લિને તેને માફ કરી શકે છે. એમ પણ જાણવા મળ્યું હતું કે મહદીના પરિવારે ગયા વર્ષે નિમિષા પ્રિયાના સંબંધીઓ પાસેથી બ્લડ મની તરીકે 5 કરોડ યમની રિયાલ માગ્યા હતા. ભારતીય ચલણમાં તેની કિંમત 1.52 કરોડ રૂપિયા થાય છે.
શું બ્લડ મની દ્વારા નિમિષા પ્રિયાની જિંદગી બચી જશે? એ હવે જોવાનું રહેશે.