વાનકુંવરઃ કેનેડામાં દરરોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા કોઈને કોઈ હંગામો મચાવવાના સમાચાર આવે છે. આ વખતે કેનેડાના વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર ભારતીય દૂતાવાસને ઘેરી લીધો અને પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો.
ગયા રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના શહેર વાનકુવરમાં કાર રેલી યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ આ રેલીમાં વાહનોની સંખ્યા ઓછી હોવાથી તેમનું વિરોધ પ્રદર્શન ફ્લોપ થયું હતું. જેના કારણે ખાલિસ્તાની સમર્થકો ગુસ્સે થયા હતા અને ભારતીય દૂતાવાસની સામે પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરવા લાગ્યા હતા.
આટલું જ નહીં, ભારત દેશના હોવા છતાં, તેઓ રસ્તા પર તિરંગો નાખ્યો હતો અને તેને પગથી કચડી નાખ્યો અને તેનું અપમાન કર્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ મંગળવારે દશેરાનો દિવસ મનાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ વખતે દશેરાના દિવસે તેઓ રાવણનું નહીં પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરવાના છે.
તે સમયે તેઓએ પીએમ મોદીના કટઆઉટ સાથે રોડ પર શોભાયાત્રા પણ કાઢી હતી. ખાલિસ્તાની સમર્થકોએ એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોને દશેરાના દિવસે ત્યાં પહોંચવાનું કહેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની સમર્થકોનું કહેવું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચે માત્ર રાજકીય અંતર ઉભું થયું છે અને કેનેડામાં રહેતા ભારતીયો તેમ જ કેનેડા જવા માટે તૈયાર ભારતીય લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ઘટના સમયે કેનેડાના પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ તેઓએ આ મામલે કંઈ કર્યું ન હતું.