ઇન્ટરનેશનલ

રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું

મોસ્કો: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. હવે આતંકવાદને પોષતા પાકિસ્તાનને ખુલ્લું પાડવા અને દુનિયાના દેશોનું સમર્થન મેળવવા ભારત સરકારે પ્રતિનિધિમંડળ મોકલ્યા છે. ગઈ કાલે ભારતીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું (Indian Delegation in Russia) હતું. જોકે, રશિયામાં લેન્ડ થયા પહેલા તેમનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું હતું.

અહેવાલ મુજબ ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળને મોસ્કો લઈ જતી ફ્લાઇટને 45 મિનીટ માટે આકાશમાં ચક્કર મારવા પડ્યા હતાં, કેમ કે શહેર પર ડ્રોન હુમલો થયો હતો. બાદમાં ગુરુવારે રાત્રે એરક્રાફ્ટે સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

યુક્રેન અને રશિયાના એક બીજા પર ડ્રોન હુમલા:

અહેવાલ મુજબ, ગુરુવારે રશિયન રાજધાની મોસ્કો પર યુક્રેનિયન ડ્રોનથી હુમલો થતાં આસપાસના વિસ્તારનો એર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે લગભગ 105 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે, જેમાંથી 35 મોસ્કો તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન, યુક્રેનની વાયુસેનાએ અહેવાલ આપ્યો છે કે ગુરુવારે રાત્રે, રશિયાએ યુક્રેન પર 128 ડ્રોન છોડ્યા હતા, જેમાંથી 112ને તોડી પાડવામાં આવ્યા છે અથવા ઇલેક્ટ્રોનિક રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.

અહેવાલ અનુસાર, રશિયાએ યુક્રેન પર લશ્કરી આક્રમણ શરૂ કર્યું ત્યારથી બંને દેશોએ લગભગ દરરોજ એકબીજા સામે ડ્રોન છોડે છે, પરંતુ મોસ્કોને ક્યારેક જ નિશાન બનાવવામાં આવે છે.

રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળ:

કનિમોઝીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં સપા સાંસદ રાજીવ રાય, એનસી સાંસદ મિયાં અલ્તાફ અહમદ, બીજેપી સાંસદ કેપ્ટન બ્રિજેશ ચોકટા, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, આપ સાંસદ અશોક કુમાર મિત્તલ, પૂર્વ રાજદૂત મનજીવ સિંહ પુરી અને એનસીપી સાંસદ જાવેદ અશરફ સામેલ છે. આ પ્રતિનિધિમંડળ રશિયા ઉપરાંત, સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની મુલાકાત લેશે.

આજે શુક્રવારે, આ પ્રતિનિધિમંડળ મોસ્કોમાં ફેડરેશન કાઉન્સિલ કમિટી ઓન ફોરેન અફેર્સના નાયબ અધ્યક્ષ આન્દ્રે ડેનિસોવ અને અન્ય સેનેટરોને મળ્યા.

X પરની એક પોસ્ટમાં, રશિયામાં ભારતીય દૂતાવાસે લખ્યું: “આતંકવાદ સામેની લડાઈમાં અમે એક સાથે છીએ. માનનીય સાંસદ @KanimozhiDMK ની આગેવાની હેઠળનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રશિયન ફેડરેશનની ફેડરેશન કાઉન્સિલ કમિટી ઓન ફોરેન અફેર્સના પ્રથમ નાયબ અધ્યક્ષ આન્દ્રે ડેનિસોવ અને અન્ય સેનેટરો સાથે મુલાકાત કરી.”

આ પણ વાંચો…રશિયા યુક્રેન યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, પુતિન સાથે ફોન પર બે કલાક વાતચીત કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button