પરફ્યુમની બોટલને કારણે યુએસમાં ભારતીય નાગરિક મુશ્કેલીમાં મુકાયો! ડિપોર્ટેશન ની શક્યતા

લીટલ રોક: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર વિઝાના નિયમો સતત કડક બનાવી રહ્યું છે, જેને કારણે ભારતીયોને યુએસના વિઝા મળવા મુશ્કેલ બની ગયા છે. એવામાં એક ભારતીય નાગરિક અલગ જ કારણોસર યુનાઇટેડ સ્ટેટ્સમાં વિઝા માટેની લડાઈ લડી રહ્યો છે અને તેને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે, જેનું કારણ પરફ્યુમની એક બોટલ છે.
કપિલ રઘુ નામનો ભારતીય નાગરિક અરકાનસાસમાં રહે છે, તેણે એશ્લે મેયસ નામની અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા છે. મે મહિનામાં એક પરફ્યુમને કારણે રાઘુની જીંદગી બદલાઈ ગઈ, તેના વર્ક વિઝા રદ કરવામાં આવ્યા અને તેની ધરપકડ કરવામાં આવી, હવે તેને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે.
પરફ્યુમની બોટલને કારણે કન્ફયુઝન:
અહેવાલ મુજબ, ૩ મેના રોજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે કપિલને રોક્યો હતો. તેની કારની પાસ કરતાં પોલીસને ‘ઓપિયમ’ લેબલવાળી પરફ્યુમની બોટલ મળી, ઓપિયમનો અર્થ અફીણ થાય છે. પોલીસે માદક દ્રવ્યો રાખવા બદલ કપિલની ધરપકડ કરી, કપિલે પોલીસને કહ્યું કે આ બોટલ પર ‘ઓપિયમ’ શબ્દ લખ્યો છે પણ એ પરફ્યુમની બોટલ છે. છતાં પોલીસ અધિકારીઓ માન્યા નહીં અને તેને કસ્ટડીમાં મોકલી દીધો.
તપાસમાં અરકાનસાસ સ્ટેટ ક્રાઈમ લેબને જાણવા મળ્યું કે બોટલમાં રહેલો પદાર્થ ખરેખર પરફ્યુમ છે, અફીણ નહીં. તેમ છતાં, કપિલ ત્રણ દિવસ કસ્ટડીમાં રહ્યો. આ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે કપિલની વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે.
કપિલને હજુ વિઝા રીન્યુ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હવે તેને કાયમી યુએસ વિઝા મેળવવાની શક્યતાઓ ઓછી થઇ ગઈ છે. આ ઉપરાંત, હવે તેને દેશનિકાલ પણ કરવામાં આવી શકે છે.
ભારતમાં કપિલના પિતા અને કાકા પોલીસ અધિકારી છે, તેઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે. કપિલે એપ્રિલમાં અમરિકાન મહિલા એશ્લે સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો…ઇટાલીના થયેલા ભયાનક અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોનું મોત, ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ…