શુભાંશુ શુક્લાના અવકાશયાને કર્યું સફળતાપૂર્વક લેન્ડિંગ, અવકાશમાંથી લાવ્યા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ…

કેલિફોર્નિયા: 26 જૂન 2025ના રોજ એક્સિઓમ મિશન 4 હેઠળ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પોતાના અન્ય 3 સાથીઓ સાથે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ આજે તે સફળતાપૂર્વક ધરતી પર પાછા ફર્યા છે. શુભાંશુ શુક્લા અને તેમના ત્રણ સાથીઓને લઈને આવેલું ગ્રેસ અવકાશયાન કેલિફોર્નિયાના કિનારે પેસેફિક મહાસાગરના કિનારે સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે લેન્ડ થયું છે.
ગ્રેસ અવકાશયાન કેવી રીતે લેન્ડ થયું?
ગ્રેસ અવકાશયાનના લેન્ડિંગ પહેલા એક જોરદાર સોનિક અવાજ સંભાળાયો હતો. જે તેની ઝડપનો સંકેત હતો. લેન્ડિંગ દરમિયાન થોડીવાર માટે સંચાર અટક્યો હતો. કારણ કે પ્લાઝમાનું સ્તર સિગ્નલને બ્લોક કરી રહ્યું હતું. પરંતુ રિકવરી ટીમે નાવડી અને હેલિકોપ્ટર લઈને તરત કાર્યવાહી હાથ ધરી હતી અને શુભાંશુ શુક્લા સહિત Ax-4 ક્રૂને સલામત રીતે બહાર કાઢ્યા હતા. શુભાંશુ શુક્લાની ટીમમાં પૈગી વ્હિટસન(કમાંડર), સ્લાવોશ ઉજનાંસ્કી-વિસ્નિવ્સકી (પોલેન્ડ) અને ટિબોર કપુ (હંગરી)નો સામેલ હતા. તમામ અવકાશયાત્રીઓની ઘરવાપસી ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે ગૌરવપૂર્વ છે.
અવકાશમાંથી શુભાંશુ શુક્લા શું લાવ્યા?
ગ્રેસ અવકાશયાનમાં શુભાંશુ શુક્લા 580 પાઉન્ડ એટલે કે લગભગ 263 કિલોગ્રામ સામાન સાથે લાવ્યા છે. જેમાં નાસાના હાર્ડવેર, પ્રયોગોના ડેટા અને આઈએસએસના થોડા કચરાનો સમાવેશ થાય છે. આ ડેટા અવકાશમાં માનવ જીવન અને વિજ્ઞાનને સમજવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લાએ આ દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજ અને પોતાના દીકરાના મનપસંદ રમકડા હંસ ‘જોય’ને પણ સાથે રાખ્યું છે.
લેન્ડિંગ બાદ શુભાંશુ શુક્લા અને તેમની ટીમને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. અવકાશની અસરમાંથી બહાર લાવવા માટે તેઓને દસ દિવસ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવશે. આ દરમિયાન તેઓના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ મિશનની સફળતા ભારતના ગગનયાન મિશન જેવા અવકાશના અભિયાનો માટે પ્રેરણારૂપ બનશે.
અવકાશમાં શુભાંશુ શુક્લાની ટીમે શું કર્યું?
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ટીમે 18 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં સ્નાયુઓના નુકશાન, માનસિક સ્વાસ્થ્ય અને અવકાશમાં પાક ઉગાડવા પર સંશોધનનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અંકુરણ અને પ્રારંભિક છોડના વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે, એનો શુભાંશુ શુક્લાએ અભ્યાસ કર્યો હતો. આ અંગે ઈસરોના પ્રમુખે તેમની પાસે અપડેટ પણ લીધી હતી.