ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

અમેરિકામાં ભારતીય-અમેરિકન દંપતી અને જોડિયા પુત્રો મૃત હાલતમાં મળ્યા

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોને નિશાન બનાવવાનો સીલસીલો ચાલુ છે. આ દરમિયાન ભારતીય મૂળના પરિવારના તમામ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાના સમાચાર મળે છે. જેમાં ચાર વર્ષના બે જોડિયા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ મામલો હત્યાનો છે કે આત્મહત્યાનો તેની પોલીસ તપાસ કરી રહી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મૃતકોની ઓળખ આનંદ સુજીત હેનરી, તેમની પત્ની એલિસ પ્રિયંકા અને તેમના ચાર વર્ષના જોડિયા બાળકો તરીકે કરવામાં આવી છે. જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર તેમની ઓળખ જાહેર કરી નથી.

આ ઘટના સોમવારે કેલિફોર્નિયાના સેન માટિયોમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સ્થાનિક રહેવાસીઓએ ૯૧૧ પર ફોન કરીને જાણ કરી હતી કે તેઓએ ઘણા દિવસોથી ઘરમાંથી કોઇ અવાજ સાંભળ્યો નથી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી અને ઘરે પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને ઘરમાં કોઇ ઘૂસ્યાની કોઇ નિશાની મળી ન હતી. સેન માટો પોલીસ વિભાગના જાહેર માહિતી અધિકારી જેરેમી સુરતે જણાવ્યું હતું કે, અમને ઘરની અંદર ચાર લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસ આ કેસની તપાસ હત્યા અને આત્મહત્યા બન્ને એંગલથી કરી રહી છે. કોર્ટના રેકોર્ડ મુજબ પતિએ ડિસેમ્બર ૨૦૧૬માં છૂટાછેડા માટે અરજી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બે નાના બાળકો બેડરૂમમાં મૃત હાલમાં મળી આવ્યા હતા. બાળકો પર કોઇ ગોળીનો ઘા નહોતો. બાળકોનું કાં તો ગળું દબાવવામાં આવ્યું હશે અથવા તેમને જીવલેણ ઓવરડોઝ આપવામાં આવ્યો હશે. કારણ કે તેમના શરીર પર હુમલાના કોઇ નિશાન નથી. જ્યારે પતિ-પત્ની બાથરૂમની અંદરથી મળી આવ્યા હતા. બન્નેને ગોળી વાગી હતી. બાથરૂમમાંથી ૯ એમએમની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન મળી આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button