ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે યુએનમાં ભારતનું નિવેદન | મુંબઈ સમાચાર

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે યુએનમાં ભારતનું નિવેદન

'પેલેસ્ટિનિયનોને સહાય મોકલવાનું ચાલુ રાખશે'

ઇઝરાયલ-હમાસ યુદ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે. ઇઝરાયલની સેના મિસાઇલ હુમલા કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકોના મોત થઈ રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. ‘ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે થઇ રહેલા નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે.

યુનાઈટેડ નેશન્સ (UN)માં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ (DPR) એમ્બેસેડર આર રવિન્દ્રએ બુધવારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીમાં નાગરિકોને માનવતાવાદી સહાય મોકલવાની હાકલ કરી હતી. ભારતે યુએનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેણે પેલેસ્ટાઈનીઓને વધુ 38 ટન સહાય સામગ્રી મોકલી છે અને ભારત તેઓને મદદ કરવાનું ચાલુ રાખશે.

ભારતે રવિવારે લશ્કરી વિમાન દ્વારા લગભગ 6.5 ટન તબીબી સહાય અને 32 ટન લોકઉપયોગી સામાન મોકલ્યો હતો. ભારતે યુદ્ધને કારણે બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ પક્ષોને નિર્દોષ નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા કરવા હાકલ કરી હતી.

ભારતે યુએનએસસીમાં ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દાના બે-રાજ્ય ઉકેલની પણ હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ રીતે મદદનો હાથ લંબાવતા રહેશે.


રવિન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે, “ઈઝરાયલમાં 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલા આઘાતજનક હતા અને અમે તેમને સ્પષ્ટપણે વખોડીએ છીએ. અમારા વડા પ્રધાન પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા જેમણે આ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને નિર્દોષ પીડિતો તથા તેમના પરિવારોને સમર્થન આપ્યું અને તેમને માટે પ્રાર્થના કરી હતી.”

Back to top button