ભારતની સૌથી મોટી ડિફેન્સ ડીલ! આટલા લાખ કરોડના ખર્ચે 114 રાફેલ જેટ ખરીદવામાં આવશે

નવી દિલ્હી: ભારત અને યુએસ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા ચાલી રહી છે, એવામાં અહેવાલ છે કે ભારત ફ્રાંસ સાથે એક મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે, ભારત વાયુસેનાના મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે 114 ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર જેટ ખરીદશે. અહેવાલ મુજબ 3.25 લાખ કરોડ રૂપિયાની આ ડીલને સંરક્ષણ મંત્રાલય આ અઠવાડિયે મંજૂરી આપી શકે છે.
નોંધનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની દિલ્હી મુલાકાતે આવવાના છે, એ પહેલા ડીલની વિગતોને અંતિમ રૂપ આપવામાં આવશે. જો આ ડીલ નક્કી થશે તો તે ભારતની અત્યાર સુધી સૌથી મોટી ડિફેન્સ ડીલ હશે.
અહેવાલ મુજબ આ ડીલમાં લગભગ 100 રફાલ એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં કરવાની જોગવાઈઓ પણ શામેલ હશે.
નોંધનીય છે કે ગત વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર માટે રાફેલ વિમાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાફેલના ટ્વીન-એન્જિન, મલ્ટી-રોલ ફાઇટર જેટ છે, જેને વિશ્વના સૌથી ઘાતક ફાઈટ જેટમાંનું એક માનવામાં આવે છે. આ વિમાન ચોકસાઇ સાથે સ્ટ્રાઇક મિશન પાર પાડવા માટે જાણીતું છે.
નોંધનીય છે કે ભારત પાસે પહેલાથી જ 36 રાફેલ છે, ભારતીય વાયુસેના છેલ્લે ડિસેમ્બર 2024 માં રાફેલનું ‘C’ વેરિઅન્ટની ડીલીવરી મળી હતી.
‘M’ વર્ઝનના 26 રાફેલ માટેની ડીલ:
ભારતીય નેવી માટે નેવલ વેરિઅન્ટ ‘M’ વર્ઝનના 26 રાફેલ વિમાન માટે 63,000 કરોડ રૂપિયાની ડીલ પહેલાથી જ કરવામાં આવી છે. આ ડીલમાં ચાર ટ્વીન-સીટ ટ્રેનર્સ રફેલની ખરીદી અને મેન્ટેનન્સ, રીપેઈરમ, ઓવરહોલ(MRO) માટે પણ કરાર કરવામાં આવ્યો છે.
‘M’ વર્ઝનના રાફેલ્સને ભારતીય નેવીના વિમાનવાહક જહાજો INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે. અહેવાલ મુજબ આ વિમાનોની ડિલિવરી 2030 સુધીમાં થવાની સંભાવના છે.
આપણ વાંચો: ભારત પહેલા બાંગ્લાદેશ બાજી મારી ગયું! US સાથે મોટો વેપાર કરાર કર્યો, જાણો વિગતો



