ભારત આગામી 5 વર્ષ સુધી વિશ્વની પ્રગતિનું કારણ બનશે, IMFની આગાહી

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ બુધવારે એક આગાહી કરી છે. IMFના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં ભારત, ચીન, અમેરિકા અને ઇન્ડોનેશિયા સાથે મળીને વૈશ્વિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહ્યું છે.
આ સમય દરમિયાન વિશ્વના અડધાથી વધુ આર્થિક વૃદ્ધિ આ ચાર દેશોના યોગદાન પર નિર્ભર રહેશે. અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બર 2023 માં IMFએ કહ્યું હતું કે ભારત અને વિશ્વના અન્ય ત્રણ દેશો આગામી 5 વર્ષમાં વિશ્વની આર્થિક વૃદ્ધિમાં અડધાથી વધુ યોગદાન આપશે. જોકે, તે સમયે IMFએ ત્રણ દેશના નામ જાહેર કર્યા ન હતા. IMFએ હવે ત્રણ દેશોના નામ જાહેર કર્યા છે.
વિશ્વ રેટિંગ એજન્સી મૂડીઝે પણ ગયા સોમવારે (4 માર્ચ) ભારતના જીડીપી માટેનું અનુમાન વધાર્યું હતું, જે મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને કારણે દેશના અર્થતંત્રમાં વૈશ્વિક અને સ્થાનિક વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. રેટિંગ એજન્સીએ તેના ગ્લોબલ મેક્રો આઉટલુક 2024-25માં જણાવ્યું હતું કે, “ભારતની અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે.” તેણે ભારતનો 2024 વૃદ્ધિ અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો છે. મૂડીઝે એમ પણ કહ્યું કે G-20 દેશોમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેવાની સંભાવના છે.
મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્સ્ટ્રક્શન સેક્ટરના મજબૂત પ્રદર્શનને કારણે મંદીના ભયને નકારીને, ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY24)માં ભારતીય અર્થતંત્રએ આશ્ચર્યજનક રીતે 8.4 ટકા વૃદ્ઘિ દર હાંસલ કર્યો હતો. બીજી તરફ ચીન જેવા વિકસિત દેશને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં નોંધપાત્ર ફટકો પડવો પડ્યો હતો. ત્યાંના માર્કેટને કોરોના બાદ ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. તાજેતરમાં ઈંગ્લેન્ડે જાહેરાત કરી હતી કે તે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.