
યુક્રેન રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને પૂર્ણ કરવા માટે અમેરિકા બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમેરિકાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. અંતે અમેરિકાએ કૂટનીતિનો ઉપયોગ કરી યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાએ રશિયા પર આર્થિક દબાણ બનાવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે નાટોએ પણ રશિયાની મદદ ન કરવા માટે ભારત સહિતના દેશોને ચેતવણી આપી હતી. આ ધમકીઓ વચ્ચે ભારતે રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત કર્યા છે. ભારતીય નૌકાદળનું અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તમાલ રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યું છે, જ્યાં તે રશિયન નૌસેના દિવસના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઘટના બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગ અને નૌસૈનિક ભાગીદારીનું પ્રતીક છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.
રશિયામાં બનેલું ભારતીય યુદ્ધ જહાજ INS તમાલ સેન્ટ પીટર્સબર્ગ ખાતે પહોંચ્યું છે, જ્યાં 27 જુલાઈએ રશિયન નૌસેના દિવસની ઉજવણી થશે. આ દિવસે ભારતીય અને રશિયન નૌસેના સંયુક્ત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે INS તમાલનું આગમન બંને દેશોની નૌસેનાઓ વચ્ચેના આંતરરાષ્ટ્રીય સહયોગને દર્શાવે છે. આ યુદ્ધ જહાજ રશિયાના યાંતર શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે અને તે ભારતીય નૌકાદળનું નવીનતમ ફ્રિગેટ છે.
INS તમાલ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ છે, જે Shtil-1 એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ, તોપો અને ઇલેક્ટ્રોનિક વૉરફેર ઉપકરણોથી સજ્જ છે. આ જહાજ જળ સપાટી, હવા, જમીન અને પાણીની અંદરના લક્ષ્યોને સાધવાની ક્ષમતા પણ ધરાવે છે. યાંતર શિપયાર્ડના સીઈઓ એન્દ્રે પૂચકોવે જણાવ્યું કે આ ફ્રિગેટે તમામ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઉલ્લેખની છે કે આ જહાજ રશિયામાં ભારત માટે બનાવવામાં આવેલું આઠમું યુદ્ધ જહાજ છે. જ્યારે રશિયા ભારતના શિપયાર્ડમાં બની રહેલા બે અન્ય યુદ્ધ જહાજો માટે ટેકનિકલ સહાય પૂરી પાડવાનું યથાવત્ રાખશે.
રશિયા દર વર્ષે જુલાઈના છેલ્લા રવિવારે નૌસેના દિવસની ઉજવણી કરે છે, જેમાં ભારતીય નૌસેના આ વખતે ખાસ ભાગીદાર તરીકે સામેલ થશે. આ કાર્યક્રમમાં ભારતીય અને રશિયન નૌસૈનિક અધિકારીઓ સંયુક્ત રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ ઘટના બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રે વધતા સહયોગને દર્શાવે છે. રશિયન સરકારી મીડિયાએ આને આંતરરાષ્ટ્રીય સ્તરે નૌસૈનિક એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે.
અમેરિકા અને નાટોની ધમકીઓ છતાં ભારતે રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત કર્યા છે. નાટો ચીફે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને લીધે ભારત પર ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી, જ્યારે અમેરિકન સેનેટરે ભારત પર પ્રતિબંધોનું બિલ રજૂ કર્યું હતું. તેમ છતાં, ભારતે રશિયાને ચોખાનો મોટો જથ્થો મોકલ્યો અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે ભારતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન ફાઇટર જેટ્સ સહિત મોટા સંરક્ષણ કરારો થવાની શક્યતા છે, જે ભારત-રશિયા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.