ઇન્ટરનેશનલ

India support Palestine: ‘પેલેસ્ટાઇન એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાષ્ટ્ર બનવું જોઈએ’ યુએનમાં ભારતનું નિવેદન

ન્યુયોર્ક: ભારતે ફરી એક વાર પેલેસ્ટાઇનના મુદ્દા(Palestine conflict)નો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પોતાનો મત રજુ કર્યો છે. ભારત ઐતિહાસિક રીતે ‘ટૂ સ્ટેટ સોલ્યુશ’(Two States solution)ને સમર્થન આપતું રહ્યું છે, હવે ભારતે ફરી એવો જ મત રજુ કર્યો છે. ભારતના એમ્બેસેડર-ઇન-ચાર્જ અને સંયુક્ત રાષ્ટ્ર(United Nations)માં નાયબ પ્રતિનિધિ આર. રવિન્દ્ર(R. Ravindra)એ શુક્રવારે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે UN એજન્સીના સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ભારતે હંમેશા વાટાઘાટો દ્વારા ટૂ સ્ટેટ સોલ્યુશને સમર્થન આપ્યું છે, જે એક સાર્વભૌમ, સ્વતંત્ર અને સક્ષમ પેલેસ્ટિનિયન રાષ્ટ્રની સ્થાપનાને સમર્થન આપે છે.”

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા, તેમણે પેલેસ્ટાઈન મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ માટે નવી દિલ્હીની ઐતિહાસિક અને અતુટ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે ભારતે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ પર સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે અને નાગરિક જાનહાનિ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના મૃત્યુનું સખત નિંદા કરી છે.

આર. રવિન્દ્રએ કહ્યું કે સ્થિતિ સુધારવા UNRWAની ભૂમિકા મહત્વની રહી છે. તેમણે કહ્યું કે ભારત પેલેસ્ટાઈનના લોકો માટે ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત 50 પેલેસ્ટિનિયન વિદ્યાર્થીઓને ભારતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત UNRWAને દવાઓ પણ આપી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પેલેસ્ટાઈનને વિવિધ સ્વરૂપોમાં નવી દિલ્હીની વિકાસલક્ષી સહાય લગભગ $120 મિલિયન જેટલી છે, જેમાં UNRWA માં યોગદાન તરીકે $35 મિલિયનનો સમાવેશ થાય છે.

આર. રવિન્દ્રએ કહ્યું કે, “પેલેસ્ટિનિયન ઓથોરિટી તરફથી જીવનરક્ષક દવાઓ માટે પણ વિનંતી કરવામાં આવી છે, જેના પર અમે સક્રિયપણે વિચાર કરી રહ્યા છીએ. અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાયની સલામત, સમયસર અને સતત પુરવઠાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરીએ છીએ.”

યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને ત્યાં બંધક બનેલા તમામ લોકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ માટે હાકલ કરી છે.

ગુટેરેસે જણાવ્યું કે UNRWA સ્ટાફના 195 સભ્યો માર્યા ગયા છે અને યુએનના ઇતિહાસમાં આ સૌથી વધુ કર્મચારીઓના મૃત્યુ છે. આ અવરોધો હોવા છતાં, UNRWA ની મહિલાઓ અને પુરુષોએ બહાદુરીપૂર્વક ગમે તે ક્ષેત્રમાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button