બર્ફીલા ખંડ એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી, જાણો શું છે તેનું વ્યુહાત્મક મહત્વ

નવી દિલ્હી: ઈન્ડિયા પોસ્ટે તેના ઐતિહાસિક પ્રયાસના ભાગરૂપે દક્ષિણ ધ્રુવ નજીક બર્ફીલા ખંડ એન્ટાર્કટિકામાં તેની ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી છે. ભારત આ બર્ફીલા, નિર્જન વિસ્તારમાં સંશોધન મિશન ચલાવે છે જ્યાં 50-100 વૈજ્ઞાનિકો મહિના-લાંબા મિશન પર કામ કરે છે. એન્ટાર્કટિકામાં ભારતના સંશોધન સ્ટેશનનું નામ ‘ભારતી સ્ટેશન’ છે. તેની શરૂઆત મહારાષ્ટ્ર સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ કે.કે.શર્માએ વેબ લિંક દ્વારા કરી હતી.
પોસ્ટમાસ્ટર જનરલ કે.કે.શર્માએ જણાવ્યું હતું કે ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી સ્ટેશનમાં તેની પ્રથમ પોસ્ટ ઓફિસ ખોલી હતી. અને બીજી પોસ્ટ ઓફિસ 1990માં મૈત્રી સ્ટેશનમાં ખોલવામાં આવી હતી અને હવે 5 એપ્રિલે એન્ટાર્કટિકામાં ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે.
સૌથી રસપ્રદ બાબતએ છે કે એન્ટાર્કટિકામાં ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલવા માટે 5 એપ્રિલ શા માટે પસંદ કરવામાં આવી છે. વાસ્તવમાં, 5 એપ્રિલ એ નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) નો 24મો સ્થાપના દિવસ હતો. એન્ટાર્કટિકામાં ખોલવામાં આવેલી નવી પોસ્ટ ઓફિસને પ્રાયોગિક ધોરણે પિનકોડ MH-1718 આપવામાં આવ્યો છે, જે નવી શાખાઓ ખોલવા માટેના નિયમો અનુસાર છે.
આપણ વાંચો: ‘પોસ્ટ’ દ્વારા ‘પ્રિ ઇલેક્શન’ તૈયારી:
એન્ટાર્કટિકા ઓપરેશન્સના ગ્રુપ ડાયરેક્ટર શૈલેન્દ્ર સૈનીએ કહ્યું કે આ સાંકેતિક છે પરંતુ તેમ છતાં આ પ્રયાસ એક માઈલસ્ટોન છે. આપણા વૈજ્ઞાનિકો પાસે સોશિયલ મીડિયા છે પરંતુ તેઓ આ ધીમી ગતિના માધ્યમ દ્વારા તેમના પરિવાર સાથે જોડાયેલા રહે છે.
આ એ સમય છે જ્યારે લોકોએ પત્ર લખવાનું બંધ કરી દીધું છે, આવા સમયમાં લોકોને એન્ટાર્કટિકાના સ્ટેમ્પવાળા પત્રો મળી રહ્યા છે. અમે વર્ષમાં એકવાર બધા પત્રો એકત્ર કરીશું અને પછી ગોવામાં અમારા હેડક્વાર્ટરમાંમાં મોકલીશું. અહીંથી વૈજ્ઞાનિકોના પરિવારજનોને પત્રો મોકલવામાં આવશે.
NCPORના પૂર્વ વૈજ્ઞાનિક એમ. સુધાકરે જણાવ્યું કે એન્ટાર્કટિકામાં પોસ્ટ ઓફિસ શા માટે મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કે એન્ટાર્કટિકા ‘એટલાન્ટિક સંધિ’ દ્વારા સંચાલિત છે, જે કોઈપણ દેશ દ્વારા પ્રાદેશિક દાવાઓને બાકાત રાખે છે અને લશ્કરી પ્રવૃત્તિ અથવા પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકે છે. આ રેખાંકિત કરે છે કે ખંડનો ઉપયોગ માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે જ થઈ શકે છે.
આમ તો સામાન્ય રીતે ભારતીય પોસ્ટ ઓફિસ માત્ર ભારતીય ભૂમિના અધિકારક્ષેત્રમાં જ સ્થિત હોઈ શકે છે. એન્ટાર્કટિકા એક એવી ભૂમિ પર ભારતીય પોસ્ટ ઓફિસ ખોલવાની અનોખી તક આપે છે જે વિદેશી છે અને આપણી નથી. તેથી તે ખંડ પર હાજરીનો દાવો કરવાના સંદર્ભમાં એક સ્ટ્રેટેજીક હેતુ પૂરો કરે છે.