કેનેડાના ભારતના હાઈ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી, કહ્યું ભારતીય નાગરિકો ભયમાં…

ઓટાવા : ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં હાલમાં ભારતીયોને કેનેડા છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેનેડામાં ભારતના નવા હાઈ કમિશ્નરે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાઈ કમિશ્નર દિનેશ પટનાયકે જણાવ્યું છે કે ભારતીય નાગરિકો કેનેડામાં ભય અનુભવી રહ્યા છે.
લોકોનું એક જૂથ છે જે આ ભય પેદા કરે છે
ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે આ વિચિત્ર છે કે તેમને અહીં સુરક્ષાની જરૂર અનુભવાઈ રહી છે. કેટલાક કેનેડિયનો આ સમસ્યા ઉભી કરી રહ્યા હતા. હાઈ કમિશ્નર દિનેશ પટનાયકે ખાલિસ્તાની આતંકવાદનું નામ લીધા વિના કહ્યું કે એવા લોકોનું એક જૂથ છે જે આ ભય પેદા કરે છે. જેની બે દેશોના સંબંધો પર પણ અસર થઈ રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આનો સામનો કેવી રીતે કરવો? આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવી રાખવી?
દેશ નિકાલનો આંકડો ગત વર્ષને વટાવી જશે
ઉલ્લેખનીય છે કે, ભારતના નવા હાઈ કમિશ્નર પટનાયકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. વર્ષ 2024માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં આ સંખ્યા ફક્ત 625 હતી. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, જુલાઈ 2025 સુધીમાં 1,891 ભારતીયોને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે. એવો અંદાજ છે કે આ વર્ષે આ આંકડો ગત વર્ષના આંકડાઓને વટાવી જશે.