ભારતનાં 7 ફાઈટર જેટ તોડ્યાનો શાહબાઝનો UNમાં દાવો, ભારતે ગણાવી નૌટંકી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ભારતનાં 7 ફાઈટર જેટ તોડ્યાનો શાહબાઝનો UNમાં દાવો, ભારતે ગણાવી નૌટંકી

ન્યુયોર્ક: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના ભાષણ પર આકરો પલટવાર કર્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસો ખુલ્લા પડી ગયા હતા. ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે કહ્યું, ‘અધ્યક્ષ, આજે સવારે આ સભાએ પાકિસ્તાનના વડા પ્રધાન તરફથી તર્કવિહીન નાટક જોયું, જેમણે ફરી એકવાર આતંકવાદનો મહિમા કર્યો જે તેમની વિદેશ નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ, કોઈ પણ નાટક અને કોઈ પણ જૂઠ્ઠાણું તથ્યોને છુપાવી શકે નહીં.’


પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે 80માં સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન તેમના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના ચાર જેટને તોડી પાડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના પ્રમુખ અમરપ્રીત સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન ભારતીય જેટ્સે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને એક વિમાનને તોડી પાડ્યું હતું.

પેટલ ગહલોતે કહ્યું હતું કે વીતેલી ૨૫ એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહારની જવાબદારીમાંથી બચાવ્યો હતો. ભારતે ૭ મેના રોજ શરૂ કરેલા ઑપરેશનમાં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકી માળખાને નિશાન બનાવ્યું હતું. પેટલ ગહલોતે પાકિસ્તાનના વડા પ્રધાનના ભાષણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આ સભાએ આજે સવારે એકવાર ફરી પાકિસ્તાનના વડા પ્રધાનનો આતંકવાદ પરનો એ જ જૂનો રાગ સાંભળ્યો. તે આતંકવાદનો મહિમા કરવામાં આવ્યો, જે તેની વિદેશ નીતિના કેન્દ્રમાં રહ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે “કોઈ પણ ડ્રામા અને કોઈ પણ જૂઠ્ઠાણું તથ્યોને છુપાવી શકે નહીં.”

એક તસવીર હજાર શબ્દોનું વર્ણન કરે છે

પેટલ ગહલોતે કહ્યું, ‘એક તસવીર હજાર શબ્દોનું વર્ણન કરે છે. અમે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા બહાવલપુર અને મુરિદકેમાં આવેલા આતંકી સંકુલોમાં ઠાર કરાયેલા આતંકવાદીઓની ઘણી તસવીરો જોઈ. પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અને નાગરિક અધિકારીઓએ જાહેરમાં આવા કુખ્યાત આતંકવાદીઓનો મહિમા કર્યો. તેમને શ્રદ્ધાંજલિ આપી. તો શું આ શાસનના ઇરાદા પર કોઈ શંકા હોઈ શકે છે?’

‘પાકિસ્તાનના વડા પ્રધાને ભારત સાથેના તાજેતરના સંઘર્ષનું પણ એક અનોખું વર્ણન રજૂ કર્યું. આ મામલાનો સંપૂર્ણ રેકોર્ડ સ્પષ્ટ છે. ૯ મે સુધી પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું. પરંતુ, ૧૦ મેના રોજ પાકિસ્તાની સેનાએ અમારી પાસે સીધું યુદ્ધ રોકવાની વિનંતી કરી હતી.’

ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો

પેટલ ગહલોતે આગળ કહ્યું, ‘એક એવો દેશ જે લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાની અને નિકાસ કરવાની પરંપરામાં ડૂબેલો છે, તેને આ પ્રકારના હાસ્યાસ્પદ નિવેદનો આગળ વધારવામાં કોઈ શરમજનકતા અનુભવાતી નથી. આપણે યાદ રાખવું જોઈએ કે તેણે ઓસામા બિન લાદેનને એક દાયકા સુધી આશ્રય આપ્યો હતો, ત્યારે પણ જ્યારે તે આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદારીનો દેખાવ કરી રહ્યો હતો. તેના મંત્રીઓએ તાજેતરમાં સ્વીકાર્યું છે કે તેઓ દાયકાઓથી આતંકી શિબિરો ચલાવી રહ્યા છે. આ કોઈ આશ્ચર્યની વાત ન હોવી જોઈએ કે આ પુનરાવર્તન ફરી એકવાર ચાલુ છે, આ વખતે તો વડા પ્રધાનના સ્તરે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો…‘હું ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધોનો અંત લાવ્યો’, UN મહાસભામાં ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો બફાટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button