Bangladesh માં ભારતે દૂતાવાસનો સ્ટાફ ઘટાડયો, કર્મચારીઓને દેશ પરત બોલાવ્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે. જો કે, બાંગ્લાદેશમાં તમામ ભારતીય કોન્સ્યુલેટ્સમાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે. કારણ કે હાલમાં લગભગ 12000 ભારતીયો બાંગ્લાદેશમાં છે. દૂતાવાસ તેમના સંપર્કમાં છે અને જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો તેમને મદદ કરવામાં આવી રહી છે.
મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે
આ દરમ્યાન, બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને માઇક્રો ફાઇનાન્સ અગ્રણી મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે . મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી નેતાઓ અને ત્રણેય સૈન્ય સેવાઓના વડાઓ સાથે બેઠક કર્યા બાદ મુહમ્મદ યુનુસને પદ પર નિયુક્ત કર્યા છે. સ્થાનિક મીડિયાએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં અને રાષ્ટ્રપતિના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો.
બાંગ્લાદેશની હવાઈ સેવા શરૂ
બાંગ્લાદેશમાં ભારે અરાજકતા અને હિંસા છે અને રાજકીય ઉપલપાથલ વચ્ચે નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે ત્યારે હવાઈસેવા આપતી ભારતીય કંપનીઓએ એક મોટી જાહેરાત કરી છે. અગાઉ તેમણે બાંગ્લાદેશ તરફ જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ઢાકા માટે ફરીથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી છે અને આજથી આ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ મંગળવારે ઢાકા માટે તેની સાંજની ફ્લાઈટનું સંચાલન કર્યું હતું, જ્યારે ઈન્ડિગો અને વિસ્તારા આજે બુધવારથી નિર્ધારિત ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
Also Read –