અમેરિકા-રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા ભારતનો સહયોગ: PM મોદીના સંદેશ સાથે ટ્રમ્પ-પુતિન બેઠકનું સ્વાગત | મુંબઈ સમાચાર

અમેરિકા-રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા ભારતનો સહયોગ: PM મોદીના સંદેશ સાથે ટ્રમ્પ-પુતિન બેઠકનું સ્વાગત

નવી દિલ્હી: ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થઇ શકે છે, એવી ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. આખરે બંને મહાસત્તાઓના સર્વોચ્ચ નેતાઓના મળવાની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા છે. આગામી સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે પણ આવવાના છે. ત્યારે ભારતે ટ્રમ્પ અને પુતિન વચ્ચે થનારી શિખર સંમેલન મંત્રણાનું સ્વાગત કર્યું છે અને સંદેશો આપ્યો છે.

આ યુદ્ધનો યુગ નથી: PM મોદીનો સંદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થનારી મુલાકાતને લઈને ભારતે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ સાથે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, “અમેરિકા અને રશિયા વચ્ચે 15 ઓગસ્ટના રોજ અલાસ્કા ખાતે થનારી બેઠકનું ભારત સ્વાગત કરે છે.આ મુલાકાત યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો અને શાંતિ સ્થાપવાની સંભાવના વધારવાનું વચન આપે છે.જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વાર કહ્યું છે કે, આ યુદ્ધનો યુગ નથી. ભારત આ શિખર સંમેલન મંત્રણાનું સમર્થન કરે છે અને આ પ્રયાસોમાં સહકાર કરવા માટે તૈયાર છે.”

રશિયા-અમેરિકા વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુષ્ટી કરી છે કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને યૂક્રેનની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2015 બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ પહેલી અમેરિકાની યાત્રા હશે.2015માં વ્લાદિમીર પુતિને અમેરિકામાં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. આ સિવાય અલાસ્કામાં 2021 બાદ આ પહેલી અમેરિકા-રશિયા શિખર સંમેલન મંત્રણા હશે. આમ, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ બેઠક મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો…ટેરિફના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત, જાણો એજન્ડા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button