Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે ભારત -ચીન

રોમ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને(Russia Ukraine War)સમાપ્ત કરવાની ભારતની ભૂમિકાને અનેક દેશો સ્વીકારી રહ્યા છે. તેવા સમયે ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શનિવારે કહ્યું કે ભારત અને ચીન જેવા દેશો યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવામાં ભૂમિકા ભજવી શકે છે. મેલોનીનું નિવેદન શનિવારે ઉત્તરી ઇટાલિયન શહેર સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં આપ્યું હતું. જ્યાં તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ બેઠક યોજી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રદેશમાં ચાલી રહેલા સંકટને ઉકેલવા માટેના ભારતના પ્રયાસો પર નિવેદન આપ્યાના 48 કલાકથી ઓછા સમયમાં આ નિવેદન સામે આવ્યું છે.
દેશને અરાજકતા અને કટોકટી તરફ દોરી જશે
જ્યોર્જિયા મેલોની કહ્યું, એ સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો તોડવામાં આવશે, તો તે દેશને અરાજકતા અને કટોકટી તરફ દોરી જશે. મે ચીનના વડાપ્રધાનને પણ આ જ કહ્યું. મને લાગે છે કે ચીન અને ભારત જેવા રાષ્ટ્રો સંઘર્ષને ઉકેલવા માટે પગલાં લઇ શકે છે અને લેવા જોઇએ.
ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો
ગુરુવારે વ્લાદિવોસ્તોકમાં 9મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતી વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ મુદ્દાને ઉકેલવામાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું કે “અમે અમારા મિત્રો અને ભાગીદારોનો આદર કરીએ છીએ, જેઓને લાગે છે કે સંઘર્ષ સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવે છે. હું ચીન, બ્રાઝિલ, ભારતના નેતાઓનો સંપર્કમાં છું. આ દેશોના નેતાઓમાં વિશ્વાસ છે કે તેઓ સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે.”