કાશ્મીરમાં લશ્કરે તૈયબાના ત્રાસવાદીઓની ટોળકી પકડાઇ
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા ખાતેથી લશ્કરે તૈયબાના પાંચ ત્રાસવાદીની ટોળકી પકડાઇ હતી. તેમાં બે મહિલા અને એક કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ત્રાસવાદીઓનું લક્ષ્ય નવા લોકોની સંગઠનમાં ભરતી કરીને હુમલા કરાવવાનું હતું. તેઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો.
બારામુલ્લામાં વરિષ્ઠ પોલીસ અધીક્ષક (એસએસપી) અમોગ નાગપુરેએ પત્રકાર પરિષદમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે અમે પકડેલી ત્રાસવાદીઓની ટોળકી પાસેથી ગ્રેનેડ, પિસ્તોલ સહિત શોનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. ઉડીમાં બે શંકાસ્પદ ત્રાસવાદીની ધરપકડ બાદ તેઓ પાસેથી મળેલી માહિતીને આધારે અનેક ત્રાસવાદીઓ અને તેઓના સહયોગીઓને પકડવામાં આવી રહ્યા છે.
એસએસપી અમોગ નાગપુરેએ જણાવ્યું હતું કે બારામુલ્લા પોલીસને ૨૧ સપ્ટેમ્બરે માહિતી મળી હતી કે યાસીન અહેમદ શાહ પોતાના ઘરમાં છુપાયો છે. તે પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન લશ્કર / ટીઆરએફમાં જોડાઇ ગયો છે. બાદમાં એમવીસીપી દ્વારા ૨૨ સપ્ટેમ્બરે હાથ ધરાયેલા ચેકિંગ વખતે વાંધાજનક સામગ્રી, હથિયારો અને વિસ્ફોટક પદાર્થો સાથે તેની ધરપકડ કરાઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે યાસીન અહેમદ શાહે આપેલી માહિતીને આધારે પરવેઝ અહેમદ શાહ નામના બીજા ત્રાસવાદીની ધરપકડ કરાઇ હતી. તેની પાસેથી બે હાથગોળા જપ્ત કરાયા હતા. બાદમાં તેના ઘરેથી એક પિસ્તોલ, મેગેઝીન અને આઠ કારતૂસ પણ મળી આવ્યા હતા.
એસએસપીએ જણાવ્યું હતું કે આ બે ત્રાસવાદીઓના સાથી નિગીના અને આફરીન ઉર્ફે આયતને પણ હાથગોળાની સાથે પકડવામાં આવી હતી. ત્રાસવાદીઓની આ ટોળકી પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠનની સાથે મળીને કામ કરતી હતી. તેઓનું કામ ભારત ખાતે ત્રાસવાદી સંગઠનમાં નવી ભરતી કરવાનું અને બારામુલ્લા તેમ જ આસપાસના વિસ્તારમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફેલાવાનું હતું.