આસિમ મુનીર વિરૂદ્ધ પોસ્ટ કર્યા બાદ ગાયબ થયા ઇમરાન ખાન: શું ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવા થશે તેના હાલ?

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન છેલ્લા લગભગ 24 દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલની કસ્ટડીમાં છે. પરંતુ તેમના ગુમ થવાના અહેવાલોથી પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ભારે ચિંતા પ્રસરી છે. 4 નવેમ્બરે ઇનરાન ખાન તેમની બહેનને મળ્યા હત. પરંતુ ત્યારબાદ તેમના વિશે કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી. જેથી તેઓ જીવિત કે મૃત હોવાનો રહસ્યમયી પ્રશ્ન ઊભો થયો હતો. પાકિસ્તાનના આર્મી ચીફ (CDS) આસિમ મુનીર વિરૂદ્ધ પોસ્ટ કર્યા બાદ ઇમરાન ખાન ગાયબ થઈ ગયા હોવાની વાત વહેતી થઈ છે. જેના માટે આસિમ મુનીરને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.
ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર શું લખ્યું
ભૂતપૂર્વ વડા પ્રધાનના અચાનક “ગાયબ” થવા પાછળ પાકિસ્તાનના આર્મી ચીફ (CDS) અસીમ મુનીર સાથેના તેમના તણાવપૂર્ણ સંબંધોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ઇમરાન ખાને છેલ્લે 5 નવેમ્બર, 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર વિરુદ્ધ પોસ્ટ કરવાથી ચર્ચામાં આવ્યા હતા. આ પોસ્ટમાં ઇમરાને અસીમ મુનીરને “ઇતિહાસનો સૌથી અત્યાચારી સરમુખત્યાર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મુનીર લોકશાહીનો ખૂની છે. ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, પાકિસ્તાન હવે કાયદા દ્વારા નહીં, પરંતુ મુનીર દ્વારા શાસન કરે છે. આ પોસ્ટ પછી તરત જ ઇમરાન ખાન વિશેની માહિતી અચાનક વહેતી બંધ થઈ ગઈ.
પુત્રએ જીવતા હોવાના પુરાવા માંગ્યા
ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને દાવો કર્યો છે કે, પિતા ઇમરાન ખાન 845 દિવસથી જેલમાં છે અને છેલ્લા છ અઠવાડિયાથી ‘ડેથ સેલ’ના એકાંતવાસમાં છે, જ્યાં કોઈ પારદર્શિતા નથી. મારા પિતાના જીવતા હોવાનો કોઈ પુરાવો નથી. આંતરરાષ્ટ્રીય સંગઠનોને મારા પિતા જીવંત હોવાના પુરાવા માંગવાની હું અપીલ કરું છું. પાકિસ્તાની સરકારે અને પીટીઆઈએ તેમની હત્યાની અફવાઓને નકારતા જણાવ્યું છે કે, “ઇમરાન ખાનનું સ્વાસ્થ્ય સારું છે.”
આ પણ વાંચો: ઈમરાન ખાનનું જેલમાં રહસ્યમય મૃત્યુ? સમર્થકોની જેલભણી આગેકૂચ, પાકિસ્તાનમાં ઉથલપાથલના એંધાણ
ઇમરાન ખાન સાથે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવું વર્તન થશે
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2023થી જેલમાં રહેલા ઇમરાનને કોર્ટના આદેશ છતાં પરિવારને મળવાથી રોકવામાં આવી રહ્યા છે. પાકિસ્થાની રાજકીય વિશ્લેષકો ઇમરાન ખાનના હાલ ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવા થશે કે કેમ, એવી ચિંતા સેવી રહ્યા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1977માં સેના દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાવતરાના કેસમાં ફસાવીને 1979માં તત્કાલીન આર્મી જનરલ ઝિયા-ઉલ-હકના આદેશથી ગુપ્ત રીતે ફાંસી આપવામાં આવી હતી. પોતાના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઇમરાન ખાને આસિમ મુનીરને ગુપ્તચર સેવાના વડા પદેથી બરતરફ કર્યા હતા. આમ, ત્યારથી ઇમરાન ખાન અને આસિમ મુનીરના સંબંધોમાં તણાવ વધ્યો હતો. ત્યારબાદ શાહબાઝ શરીફ દ્વારા આસિમ મુનીરને CDS તરીકે નિયુક્ત કરાતા ઇમરાન ખાનને જીવનું જોખમ હોવાની અટકળો તેના સમર્થકોએ વહેતી કરી હતી.



