આર્મીએ મારી માફી માંગવી જોઇએઃ શા માટે કહ્યું પાકિસ્તાન પૂર્વ વડા પ્રધાને?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ગયા વર્ષે ૯ મેના રોજ તેની ધરપકડ બાદ ફાટી નીકળેલા રમખાણો માટે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે સેનાએ જ તેમની માફી માંગવી જોઇએ, કારણ કે હિંસાના દિવસે અર્ધલશ્કરી રેન્જરોએ તેમનું ‘અપહરણ’ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષીય ઇમરાન ખાનની ૯મે, ૨૦૨૩ના રોજ ભ્રષ્ટાચારના કેસમાં તેમની હાજરી દરમિયાન ઇસ્લામાબાદ હાઇકોર્ટ પરિસરમાંથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડથી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થકો દ્વારા દેશવ્યાપી વિરોધ અને રમખાણો ફાટી નીકળ્યા હતા. જેનાથી દેશભરમાં નાગરિક તેમ જ લશ્કરી સ્થાપનોને નુકસાન પહોંચ્યું હતું.
સેનાના પ્રવક્તા મેજર જનરલ અહેમદ શરીફે આ વર્ષે ૭ મેના રોજ કહ્યું હતું કે પાર્ટી તેની ‘અરાજકતાની રાજનીતિ’ માટે માફી માંગે તો પીટીઆઇ સાથે કંઇક વાતચીત થઇ શકે છે.
આ પણ વાંચો : પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે
મીડિયાના અહેવાલ અનુસાર રાવલપિંડીની અદિયાલા જેલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે ખાનને પૂછવામાં આવ્યું કે શું તેઓ ૯ મેની હિંસા માટે માફી માંગશે. તો તેમણે કહ્યું કે તેની પાસે માફી માગવાનું કોઇ કારણ નથી. તેમણે આગળ કહ્યું કે તેમની ઇસ્લામાબાદ હાઇ કોર્ટ પરિસરના એક કાર્યરત મેજર જનરલની આગેવાની હેઠળના રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાને છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર સરકારના બદલે સૈન્ય સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની સ્થિતિનું પુનરાવર્તન કરતા કહ્યું કે તેઓ ફક્ત વાસ્તવિક સત્તા સાથે વાતચીત કરશે કારણ કે સરકાર સાથેની વાટાઘાટો એક નિરર્થક કવાયત છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર સાથેની વાતચીતનું કોઇ પરિણામ આવશે નહીં કારણ કે ક્ષેત્રમાં એક અઘોષિત માર્શલ લો લાગૂ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ખાને ઉમેર્યું હતું કે ‘સત્તા કોરિડોરમાં રહેલા લોકો’ સાથે વાતચીત બંધારણના દાયરામાં રહેશે.