ટેરિફ વોરનો અંત? બુસાનમાં ટ્રમ્પ-શી જિનપિંગની મહત્ત્વની બેઠક શરૂ, ચાર વર્ષ બાદ સામસામે | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

ટેરિફ વોરનો અંત? બુસાનમાં ટ્રમ્પ-શી જિનપિંગની મહત્ત્વની બેઠક શરૂ, ચાર વર્ષ બાદ સામસામે

બુસાન(દક્ષિણ કોરિયા): અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટેરિફ યુદ્ધ (Tariff War) ચાલુ છે.

મહિનાઓ સુધી ચાલેલી વ્યાપારિક ઉથલપાથલ પછી બંને દેશોના સંબંધોને સ્થિર કરવાની આ એક મોટી તક છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ બેઠક વર્ષ ૨૦૧૯ પછી બંને નેતાઓ વચ્ચેની પ્રથમ રૂબરૂ મુલાકાત છે અને તે અમેરિકા-ચીન સંબંધોની ભાવિ દિશા નક્કી કરી શકે છે.

બેઠક પહેલાં જ બંને પક્ષો તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે. અમેરિકી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ટ્રમ્પ ચીની વસ્તુઓ પર ૧૦૦ ટકા વધારાનો ટેરિફ લગાવવાની તેમની તાજેતરની ધમકીને પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવતા નથી. ચીને પણ સંકેત આપ્યો છે કે તે રેયર અર્થ મિનરલ્સ પરના તેના નિકાસ નિયંત્રણોમાં ઢીલ આપવા અને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી કરવા તૈયાર છે.

દક્ષિણ કોરિયા જતી વખતે ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ફન્ટૅનાઇલ (fentanyl) ના ઉત્પાદન અંગે ચીન પર લગાવેલા ટેરિફને ઘટાડી શકે છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, “મને લાગે છે કે તેઓ ફન્ટૅનાઇલ મામલામાં અમારી મદદ કરશે, તેથી મને આશા છે કે ટેરિફ ઘટાડવામાં આવશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે “ચીન સાથેના અમારા સંબંધો ખૂબ સારા છે.”

ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે આ બેઠક દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાઈ રહી છે, જે એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ (APEC) શિખર સંમેલનના મુખ્ય સ્થળથી ૭૬ કિલોમીટર દક્ષિણમાં આવેલું એક બંદર શહેર છે. અગાઉ, અન્ય APEC નેતાઓ સાથેના રાત્રિભોજનમાં ટ્રમ્પે માઇક્રોફોન પર જણાવ્યું હતું કે શી જિનપિંગ સાથેની તેમની બેઠક “ત્રણ-ચાર કલાક” ચાલશે અને ત્યારબાદ તેઓ વોશિંગ્ટન પરત ફરશે. વ્યાપાર સંબંધો સુલઝાવવા અને વૈશ્વિક સ્થિરતા જાળવવા માટે આ બેઠક એક મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.

તાજેતરમાં, કુઆલાલમ્પુર ખાતે અમેરિકા અને ચીનના અધિકારીઓએ મુલાકાત કરી હતી, જેમાં ચીનના ટોચના વ્યાપાર વાર્તાકાર લી ચેંગગાંગે પ્રારંભિક સહમતિ થઈ હોવાની વાત કહી હતી, જેને અમેરિકી નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે પણ “ખૂબ જ સફળ માળખું” ગણાવ્યું હતું. જોકે, બંને નેતાઓ વચ્ચે હજી પણ ઘણા મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેમની શી જિનપિંગ સાથે તાઇવાનની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓને ઉઠાવવાની કોઈ યોજના નથી.

આ પણ વાંચો…‘નોબેલ પુરસ્કાર’ની ભલામણ બાદ ફરી શહબાઝ શરીફની ટ્રમ્પ ભક્તિએ પાકિસ્તાનની આબરૂ ઉતારી;પૂર્વ રાજદૂતનો તીખો કટાક્ષ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button