ઈરાનમાં અશાંતિની આગ: જાણો કેમ ભારતના વેપાર માટે છે જોખમ?

તેહરાન: પશ્ચિમ એશિયાના ઈરાનમાં હાલ ભીષણ આંતરિક સંઘર્ષ અને અશાંત ચાલી રહી છે. દેશભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોએ ઈરાનને ફરી એકવાર રાજકીય અને આર્થિક અસ્થિરતાના આરે લાવીને ઊભું કરી દીધું છે. ભારત માટે આ સંકટ અત્યંત ગંભીર છે કારણ કે ઈરાન ભારતના મહત્વપૂર્ણ પ્રાદેશિક સંપર્ક માર્ગોના કેન્દ્રમાં સ્થિત છે અને ત્યાંની અસ્થિરતા સીધી રીતે ભારતના વ્યૂહાત્મક હિતો સાથે જોડાયેલી છે.
ઈરાનમાં આ સંકટની શરૂઆત ડિસેમ્બર 2025ના અંતમાં આર્થિક મુશ્કેલીઓ સાથે થઈ હતી. શરૂઆતમાં બેરોજગારી, વધતી મોંઘવારી અને ડોલર સામે ગગડતા ઈરાની ચલણ વિરુદ્ધ શરૂ થયેલું આ આંદોલન હવે શાસનને પડકાર આપી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે 78 લોકોના મોત થયા હોવાની આશંકા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાન સરકારે 7 જાન્યુઆરીથી જ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ભારતે મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સુધી પહોંચવા માટે ઈરાનમાં અનેક પરિયોજનાઓમાં મોટું રોકાણ કર્યું છે, જેમાં ઈરાન એક મુખ્ય ટ્રાન્ઝિટ હબ તરીકે કામ કરે છે. આમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ચાબહાર બંદર છે, જે પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતને અફઘાનિસ્તાન અને મિડલ ઈસ્ટ સુધી સીધો માર્ગ પૂરો પાડે છે. જો આ સંકટ વધશે, તો ચાબહાર બંદરનું પરિચાલન ધીમું પડી શકે છે અને INSTC માર્ગ દ્વારા થતી માલસામાનની હેરફેર પણ ખોરવાઈ શકે છે.
નાણાકીય વર્ષ 2024-25ના આંકડા મુજબ, ભારત અને ઈરાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે 1.68 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. જેમાં ભારતે 1.24 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે 0.44 અબજ ડોલરની આયાત કરી હતી. ભારત ઈરાનને મુખ્યત્વે ચોખા, ચા, ખાંડ, દવાઓ અને ઈલેક્ટ્રિકલ મશીનરી જેવી વસ્તુઓ મોકલે છે. જ્યારે ઈરાનથી ભારત મુખ્યત્વે સૂકો મેવો, રસાયણો અને કાચના વાસણોની આયાત કરે છે.



