ટેનિસ-સમ્રાજ્ઞી સ્વૉન્ટેકે કટ્ટર હરીફને હરાવી કયો વિક્રમ રચ્યો?

મૅડ્રિડ: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઇગા સ્વૉન્ટેકે શનિવારે વિશ્ર્વની બીજા નંબરની ખેલાડી અને કટ્ટર હરીફ અરીના સબાલેન્કાને હરાવીને અગાઉની હારનો બદલો લીધો અને એક વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.
સ્વૉન્ટેક બાવીસ વર્ષની છે. તેણે અહીં મૅડ્રિડ ઓપનની ફાઇનલમાં સબાલેન્કાને 7-5, 4-6, 9-7થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
સ્વૉન્ટેક સૌથી નાની વયે 20 ટાઇટલ જીતનારી (કૅરોલિન વૉઝનીઍકીની 2012ની સાલની સિદ્ધિ પછીની) યંગેસ્ટ પ્લેયર બની છે.
2024ની સીઝનમાં સ્વૉન્ટેકનું આ ત્રીજું ટાઇટલ છે જે તેણે ગયા વર્ષની આ જ સ્પૅનિશ સ્પર્ધાની ફાઇનલની હારની વસૂલાત તરીકે મેળવ્યું છે.
સ્વૉન્ટેક-સબાલેન્કા વચ્ચેની મૅચ ત્રણ કલાક અને 11 મિનિટ સુધી ચાલી હતી. સ્વૉન્ટેકે જીત્યા પછી કહ્યું, ‘સબાલેન્કાને પણ અભિનંદન, કારણકે અમે બન્નેએ આ મૅચમાં અદ્ભુત પ્રયત્નો કર્યા.’
આ મહિને ફ્રેન્ચ ઓપન રમાશે જેમાં સ્વૉન્ટેક ચોથી વાર વિજેતાપદ મેળવવા કમર કસીને રમશે. છેલ્લા બે વર્ષથી તે ફ્રેન્ચ ઓપન જીતી રહી છે એટલે હવે તેને હૅટ-ટ્રિક વિજય મેળવવાનો મોકો છે.