ઇન્ટરનેશનલ

જો ઉશ્કેરણી કરે તો અમેરિકા-દ. કોરિયાનું નામનિશાન મિટાવી દો, કિમ જોંગનો સેનાને આદેશ

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની અમેરિકા, દ. કોરિયા સાથે દુશ્મનાવટ જાણીતી છે. હાલમાં તેઓ સતત જાસુસી ઉપગ્રહ લોન્ચ કરી રહ્યા છે. તેમણે પોતાની સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. કિમ જોંગે તેમની સેનાને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દક્ષિણ કોરિયા તેમની વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો ધરતી પરથી તેમનુ નામનિશાન મિટાવી દેવામાં આવે.

અમેરિકામાં 2024ના નવેમ્બર મહિનામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. એવુ માનવામાં આવે છે કે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા ઉત્તર કોરિયા આ વર્ષે તેના હથિયારોના પરીક્ષણને વધુ વેગ આપી શકે છે. ગયા અઠવાડિયે કિંમ જોંગે તેના અધિકારીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી હતી કે તેઓ આ વર્ષે વધુ ત્રણ લશ્કરી જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરશે, વધુ પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન કરશે અને એટેક કરવાવાળા ડ્રોન વિકસાવશે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે કિમ જોંગનો ઇરાદો ભવિષ્યમાં અમેરિકા પર રાજદ્વારી દબાણ વધારવાનો છે.

કિમ જોંગે રવિવારે સેનાના કમાન્ડિંગ ઓફિસરો સાથે બેઠક કરી હતી અને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની સુરક્ષા માટે સૌથી મૂલ્યવાન હથિયાર એટલે કે પરમાણુ બોમ્બને હુમલા માટે તૈયાર રાખવા જરૂરી છે. કિમે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે, તો તેમના (ઉ. કોરિયાના) સૈન્યએ ખચકાટ વિના તેમના તમામ મુખ્ય સંસાધનોને એકત્ર કરવા જોઈએ અને અમેરિકા તથા દક્ષિણ કોરિયાનો સંપૂર્ણ નાશ કરવા માટે વળતો હુમલો કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button