ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘ભારત તપાસમાં ચૂક કરશે તો…’, પન્નુ કેસમાં ભારતીય મૂળના સાંસદોની ચેતવણી

વોશિંગ્ટન: આમેરિકામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કથિત કાવતરા મામલે ભારત પર લાગેલા આરોપો ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ તરફ દોરી જઈ શકે છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ આશંકા વ્યકત કરી હતી કે જો ભારતીય તપાસ અધિકારીઓ પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં કરે તો તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે છે. દરમિયાન, બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓએ ભારતીય મૂળના પાંચ અમેરિકન સાંસદોને નિખિલ ગુપ્તા સામેના આરોપો અંગે માહિતી આપી હતી. આ પછી પાંચેય સાંસદોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, સાંસદ અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો તરીકે, અમારા લોકો અને વ્યવસ્થાની ભલાઈ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકવામાં આવેલા આરોપો ચિંતાજનક છે. અમે આ મામલે તપાસ કરવાની ભારત સરકારની જાહેરાતને આવકારીએ છીએ. ભારતે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આરોપીઓને શોધી કાઢવા જરૂરી છે. અમે માનીએ છીએ કે યુએસ-ભારતની ભાગીદારીની બંને દેશોના લોકો પર સકારાત્મક અસર પડી છે. જો તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ભાગીદારીને નુકસાન થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય દમનને સહન નહીં કરે, આ માત્ર ભારત માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. અમે આ પ્રકારની પ્રવૃતિઓનો વિરોધ કરીએ છીએ પછી ભલે તે કોઈપણ દેશની હોય. અમને આ મામલાની માહિતી મળતા જ અમારા વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અમે સ્પષ્ટ કર્યું છે કે અમે આવી કોઈપણ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. ભારત આ મામલાની તપાસ કરી રહ્યું છે. અમે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, 52 વર્ષીય નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે. ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય સરકારી અધિકારીઓના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં એક રાજકીય કાર્યકર્તાની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જે ભારતીય મૂળના છે અને અમેરિકન નાગરિક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…