પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં IED બ્લાસ્ટ, ત્રણ બાળકો ઘાયલ
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં IED વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની પેશાવરમાં એક શાળા પાસે સવારે 9.10 વાગ્યે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ માટે રોડ કિનારે ‘સિમેન્ટ બ્લોક્સ’માં રાખવામાં આવેલા ઓછામાં ઓછા 4 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાતથી 10 વર્ષની ઉંમરના ઘાયલ બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
પેશાવર લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે બે બાળકોની હાલત ગંભીર છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ખરેખર કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ જણાવવું હાલના તબક્કે અઘરું છે, પણ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
એમ લાગે છે કે પાકિસ્તાનમાં હાલમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદી પ્રવૃત્તિઓથી ભારે પ્રભાવિત રહ્યો છે. એક અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નવેમ્બરમાં આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં 54 મૃત્યુ અને 81 ઇજાઓ સાથે 51 હુમલા નોંધાયા હતા.