યુએસમાં ICE અધિકારીએ માથામાં ગોળી મારી મહિલાની હત્યા કરી: લોકોમાં રોષ, રાષ્ટ્રીયસ્તરે વિરોધની શક્યતા

મિનિયાપોલિ: ટ્રમ્પનાં આદેશ ઇમિગ્રન્ટ્સ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી દરમિયાન મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસમાં એક ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીએ એક મહિલાને માથામાં ગોળી મારી હત્યા નીપજાવી, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ દલીલ આપી કે તેણે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જયારે શહેરના મેયરે આ કાર્યવાહીને બેદરકાર અને બિનજરૂરી ગણાવી છે.
ડાઉનટાઉન મિનિયાપોલિસના દક્ષિણમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં ICE અધિકારીએ 37 વર્ષીય મહિલા કાર ચાલકને તેના પરિવારના સભ્યની સામે માથામાં ગોળી મારી હતી. આ જગ્યા ઇમિગ્રન્ટ બજારોથી થોડા બ્લોક દૂર છે, જ્યાં વર્ષ 2020 માં પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોયડની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બ્લેક લાઈવ્સ મેટર ચળવળ શરુ થઇ હતી. મહિલાની હત્યા બાદ લોકોમાં રોષની લાગણી છે, રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનો થવાની શક્યતા છે.
અહેવાલ મુજબ મૃતક મહિલાની ઓળખ રેની નિકોલ મેકલિન ગુડ તરકે થઇ, તેને 6 વર્ષનું બાળક છે. સોશિયલ મીડિયા પર મેકલિન ગુડ પોતાને “કવિ અને લેખક, પત્ની અને માતા” ગણાવતી હતી, તે મૂળ કોલોરાડોની હતી.
પ્રદર્શનકારીઓ ઉમટી પડ્યા:
અહેવાલ મુજબ બુધાવરે સવારે 9:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઇ ગઈ છે. મહિલાની હત્યા થતા લોકોમાં સ્થાનિક લોકોમાં રોષનો માહોલ છે, જવાબદાર ICE અધિકારી સામે કર્યવાહીની માંગ સાથે પ્રદર્શનકારીઓ ઉમટી પડ્યા હતાં. મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા સેંકડો લોકો હાજર થયા હતાં.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ:
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક ICE અધિકારી રસ્તાની વચ્ચે ઉભેલી SUV કાર પાસે આવે છે, તે ડ્રાઇવરને દરવાજો ખોલવા જણાવે છે અને હેન્ડલ પકડી લે છે. કાર થોડી આગળ વધે છે અને કારની સામે ઉભેલો એક બીજો ICE અધિકારી હથિયાર બહાર કાઢે છે અને બે વાર ગોળીબાર કરે છે. ગોળીબાર બાદ SUV કાર આગળ પાર્ક કરેલી બે કાર સાથે અથડાય છે.
ઘટનાસ્થળના વધુ એક વીડિયોમાં મેકલિન ગુડની જીવન સાથી તેની પાસે રડતી જોવા મળે છે. મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી, બંને તાજેતરમાં જ મિનેસોટા આવ્યા હતાં.
ટ્રમ્પ વહીવટીતંત્રએ અધિકારીનો બચાવ કર્યો:
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ જણાવ્યું કે મહિલાએ ICEના અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અધિકારીએ સ્વબચાવમાં આ કાર્યવાહી કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહિલા પર આવા જ આરોપ લગાવ્યા અને ICEની કાર્યવાહીનો બચાવ કર્યો.
મેયર અને ગવર્નરે કાર્યવાહીને વખોડી:
મિનિયાપોલિસ શહેરના મેયર જેકબ ફ્રેએ ICE અધિકારીની કાર્યવાહીને વખોડી કાઢી છે. તેમણે ક્રિસ્ટી નોએમના દાવાને જુઠ્ઠાણું ગણાવ્યો. તેમણે ઇમિગ્રેશન સામે કાર્યવાહીના ભાગ રૂપે મિનિયાપોલિસ અને સેન્ટ પોલમાં 2,000 થી વધુ અધિકારીઓની ફેડરલ તૈનાતીની પણ ટીકા કરી.
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે કહ્યું કે આ ઘટના બેજવાબદાર હતી અને ટાળી શકાય એમ હતી. તેમણે એમ પણ કહ્યું કે અન્ય લોકોની માફક તેઓ પણ ગુસ્સે ભરાયેલા છે, પરંતુ તેમણે લોકોને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રાખવા અપીલ કરી.



