ઇન્ટરનેશનલ

આ દેશમા LGBTQ+ સમુદાય નહિ કરી શકે જાહેર કાર્યક્રમો; સંસદે પસાર કર્યું સંશોધન…

બુડાપેસ્ટ: હંગેરીની સંસદે એક મોટો બંધારણીય સુધારો પસાર કર્યો છે. આ સુધારા અનુસાર સરકારને હવે હંગેરીમાં LGBTQ+ સમુદાયના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની સત્તા મળી ગઈ છે. આ સુધારાના પક્ષમાં 140 અને વિરોધમાં 21 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વડા પ્રધાન વિક્ટર ઓર્બનના નેતૃત્વ હેઠળના ગઠબંધન દ્વારા લાવવામાં આવ્યો હતો.

વિરોધ વચ્ચે બિલ થયું પસાર
LGBTQ+ સમુદાયના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકતો સુધારો એ LGBTQ+ અધિકારો માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે. સુધારા પર મતદાન પૂર્વે વિપક્ષી રાજનેતાઓ અને અન્ય વિરોધીઓએ શાસક પક્ષના સાંસદોને પ્રવેશતા અટકાવવા માટે સંસદના પાર્કિંગ ગેરેજના પ્રવેશદ્વારને બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તા પરથી દૂર કરવા પડ્યા હતા.

હંગેરીની સંસદ દ્વારા પસાર કરાયેલા બંધારણીય સુધારામાં જાહેર કરવામાં આવ્યું છે કે બાળકોના નૈતિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસના અધિકારો જીવનના અધિકાર સિવાયના અન્ય કોઈપણ મૂળભૂત અધિકાર કરતાં સર્વોપરી છે. આ શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

પ્રાઇડ ઇવેન્ટ પર પણ પ્રતિબંધ
સંસદમાં પસાર કરવામા આવેલા બંધારણીય સંશોધન LGBTQ+ ના સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવે છે. જેમા ખૂબ ચર્ચિત પ્રાઇડ ઇવેન્ટનો પણ સમાવેશ થાય છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં દર વર્ષે આ પ્રાઇડ ઇવેન્ટ હજારો લોકોનું ધ્યાન ખેંચે છે. બંધારણીય સુધારામાં એ પણ જણાવાયું છે કે બિન-યુરોપિયન આર્થિક ક્ષેત્રના દેશમાં બેવડી નાગરિકતા ધરાવતા હંગેરિયનોને જાહેર વ્યવસ્થા, જાહેર સલામતી અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવશે તો તેમની નાગરિકતા સસ્પેન્ડ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button