Political crisis in Bangladesh: શેખ હસીના હજુ ભારતમાં કેટલા દિવસ રહેશે મહેમાન, પુત્રએ શું કહ્યું?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધને પગલે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયેલા પૂર્વ વડા પ્રધાન શેખ હસીના “થોડા સમય માટે” દિલ્હીમાં રહેશે. હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે જણાવ્યું હતું.
અવામી લીગના નેતા હસીના (76) સોમવારે દિલ્હી નજીકના એરફોર્સ બેઝ પર પહોંચ્યા હતા. અને બાદમાં કડક સુરક્ષા હેઠળ દિલ્હીમાં સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. શેખ હસીનાની સાથે તેની બહેન શેખ રેહાના પણ છે.
જર્મની મીડિયા ડોયશે વેલે સાથેની મુલાકાત દરમિયાન જોયને કોઇ ત્રીજા દેશમાં શરણ માંગવાની હસીનાની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર જોયે કહ્યું હતું કે “આ બધી અફવાઓ છે. તેમણે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેઓ હજુ થોડો સમય દિલ્હીમાં રહેશે. મારી બહેન તેમની સાથે છે. તેથી તેઓ એકલા નથી.
આ પણ વાંચો: જાનનું દુશ્મન બનીને બેઠુ છે બાંગ્લાદેશ અને ભારતમાં શોપિંગ કરી રહ્યા છે શેખ હસીના
હસીનાની પુત્રી સાયમા વાજેદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રની પ્રાદેશિક નિર્દેશક છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. બ્રિટન દ્વારા તેને આશ્રય આપવામાં વિલંબ થયા બાદ હસીનાની બ્રિટન જવાની યોજના પડી ભાગી છે. રેહાનાની પુત્રી ટ્યૂલિપ સિદ્દીકી બ્રિટિશ સંસદની સભ્ય છે.
બાંગ્લાદેશમાં વર્તમાન અસ્થિરતા પર વાત કરતા જોયને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેમની રાજનીતિમાં પ્રવેશવાની કોઈ યોજના છે, જેના પર તેમણે હસીને કહ્યું હતું, “હાલમાં તેમની એવી કોઈ યોજના નથી.
આ ત્રીજી વખત છે જ્યારે અમારા પરિવાર વિરુદ્ધ બળવો કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું હતું કે હસીના સિવાય તેના પરિવારના તમામ સભ્યો પહેલાથી જ લાંબા સમયથી વિદેશમાં રહે છે અને શેખ રેહાના કે પરિવારનો અન્ય કોઇ પણ સભ્ય રાજનીતિમાં આવે તેવી સંભાવના નથી.