આઇવરી કોસ્ટ પર ભીષણ અકસ્માત, 26 લોકોના મોત, 28 ઘાયલ
પશ્ચિમ આફ્રિકાના દેશ આઇવરી કોસ્ટમાં શુક્રવારે બે મિનિ બસો વચ્ચે ભીષણ અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. બે બસોની આ ઘાતક અથડામણમાં 26 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના મધ્ય-પશ્ચિમમાં બ્રોકોઆ ગામમાં બે વાહનો અથડાયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને બસની ટક્કર બાદ લાગેલી આગમાં માર્યા ગયેલા 26 લોકોમાંથી દસ લોકોના દાઝી જવાથી મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો…Syriaમાં સ્થિતિ ગંભીર, ભારતે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
“પરિવહન મંત્રીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે, ખરાબ રસ્તાઓ અને બેદરકારીથી ડ્રાઇવિંગને કારણે માર્ગ અકસ્માતો થવા સામાન્ય છે આવા અકસ્માતોમાં હજારો લોકો જીવ ગુમાવે છે.
નોંધનીય છે કે આઇવરી કોસ્ટમાં માર્ગ અકસ્માતો કોઈ નવી વાત નથી. જર્જરિત, ખાબડખૂબડ રસ્તાઓ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે દેશમાં માર્ગ અકસ્માતો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. દેશમાં દર વર્ષે એક હજારથી વધુ માર્ગ અકસ્માતો નોંધાય છે.