ઇન્ટરનેશનલનેશનલ

આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ

કરાંચી: હાલ પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં ટ્રેનને હાઈજેક કરવામાં આવી છે તે ઘટનાને ચર્ચામાં છે. ૧૧ માર્ચે, બલુચિસ્તાનમાં BLA એ એક ટ્રેનને હાઈજેક કરીને મુસાફરોને બંધક બનાવ્યા હતા. તેમને મુક્ત કરાવવા માટે પાકિસ્તાન સરકાર સંઘર્ષ કરી રહી છે. બલુચિસ્તાન હંમેશા પાકિસ્તાન માટે એક માથાનો દુખાવો રહ્યું છે.

પરંતુ વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતો બલુચિસ્તાન પ્રાંત ભલે પાકિસ્તાન સાથે છે, પણ તે પ્રાંતનું ભારતીયો માટે પણ ખૂબ મહત્વ રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઇએ તો 51 શક્તિપીઠોમાંથી એક બલુચિસ્તાનમાં જ આવેલું છે, જે હિંગળાજ ભવાનીના નામથી પ્રખ્યાત છે.

આપણ વાંચો: શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ, વહેલી સવારથી શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર

શક્તિપીઠોની યાત્રાનું મહત્વ

સનાતન ધર્મમાં શક્તિપીઠોનું ખૂબ મહત્વ રહ્યું છે. શક્તિપીઠ આદ્યશક્તિ દેવી દુર્ગાનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. શક્તિપીઠની યાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને તેનાં દર્શન ચાર ધામની યાત્રા સમાન ફળદાયી છે. જેમ જીવનમાં એક વાર પ્રયાગના સંગમમાં સ્નાન કરવું, ગંગાસાગરમાં તર્પણ કરવું અને ચાર ધામોની યાત્રાનું મહાત્મ્ય રહેલું છે તેવી જ રીતે હિંગળાજની યાત્રાનું પણ મહત્વ છે.

કાનફડ યોગીઓમાં છે અનેરું મહત્વ

વિભાજન પૂર્વે શક્તિપીઠોની યાત્રાની પરંપરા હતી, જેનું પાલન કાનફડ યોગીઓ દ્વારા ચોક્કસપણે કરવામાં આવતું હતું અને તેમના દ્વારા, તે સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય હતી. સૌરાષ્ટ્ર-કચ્છની અનેક લોકકથાઓમાં હિંગળાજની યાત્રાનો ઉલ્લેખ આવે છે.

આપણ વાંચો: યોગીજીનું સનાતન બજેટ: માત્ર ધર્મનું જ નહીં, લોકોનું કલ્યાણ કરતું અંદાજપત્ર..

જોકે કાનફડ યોગીઓ હજુ પણ શક્તિપીઠ યાત્રાની પરંપરાનું હજુયે પાલન કરી રહ્યા છે અને આ સ્થળ શાક્ત સંપ્રદાયના અનુયાયીઓ-ભક્તો માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ વિભાજન બાદ, હિંગળાજ ભવાનીના યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો, જોકે હજુ પાકિસ્તાનમાં વસતા હિંદુઓ અહીં દર્શન માટે પહોંચે છે.

કઈ રીતે સ્થપાયું હિંગળાજ શક્તિપીઠ?

શક્તિપીઠોની રચનાની કથા સતયુગ સાથે જોડાયેલી છે. જ્યારે ભગવાન શિવનાં પત્ની દેવી સતીએ દક્ષ યજ્ઞમાં આત્મદાહ કર્યો, ત્યારે ક્રોધિત થયેલા ભગવાન શિવે સતીના મૃત શરીરને લઈને ત્રણેય લોકમાં ફરવા લાગ્યા. શિવજીના ક્રોધને શાંત કરવા અને તેમને આ દુ:ખમાંથી મુક્ત કરવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતીના શરીરનાં ટુકડા કરી નાખ્યા અને સતીના શરીરના વિવિધ ભાગો જ્યાં પડ્યા તે 51 સ્થાનો શક્તિપીઠો તરીકે ઓળખાયા.

જેમાં દેવી સતીનાં માથાનો પાછળનો ભાગ હિંગોલ નદીના કિનારે ચંદ્રકૂપ પર્વત પર પડ્યો હતો અને અહીં હિંગળાજ ભવાનીની સ્થાપના થઈ હતી. સંસ્કૃતમાં હિંગુલા શબ્દ સિંદૂર માટે પણ વપરાય છે, તેથી પરિણીત સ્ત્રીઓમાં પણ માતા ખૂબ જ પૂજનીય છે.

આપણ વાંચો: Ambaji માં 9 થી 11 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, તૈયારીઓ પુરજોશમાં

ભારતમાંથી પણ જાય છે દર્શનાર્થે

બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત 51 શક્તિપીઠોમાંનું હિંગળાજ શક્તિપીઠની રસપ્રદ વાત એ છે કે તેની સંભાળ સ્થાનિક બલૂચ લોકો દ્વારા લેવામાં આવે છે. તેઓ તેને ખૂબ જ ચમત્કારિક સ્થળ માને છે. ઊંચી ટેકરીઓની તળેટીમાં આવેલું આ ગુફા મંદિર એટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

આ મંદિર પ્રાચીન કાળનું હોવાનું મનાય છે અને ઇતિહાસના જાણીતા સ્ત્રોતો અનુસાર, આ મંદિર 2000 વર્ષ પહેલાં પણ અહીં સ્થિત હતું. નવરાત્રી દરમિયાન, અહીં સમગ્ર નવ દિવસ શક્તિની ઉપાસના માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સિંધ-કરાચીથી હજારો સિંધી હિન્દુ ભક્તો અહીં માતા દેવીના દર્શન કરવા આવે છે. દર વર્ષે ભારતમાંથી પણ એક જૂથ અહીં દર્શન માટે આવે છે.

બલુચો ધરાવે છે ‘નાની પીર’માં આસ્થા

બ્રિટિશ શાસન સમયે જ્યારે એક અખંડ ભારત હતું અને પાકિસ્તાનનો જન્મ પણ નહોતો ત્યારે ભારતની પશ્ચિમી સરહદ છેક અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલી હતી. બલુચિસ્તાનના મુસ્લિમો પણ દેવી હિંગળાજ પ્રત્યે આસ્થા ધરાવે છે.

અહીં બલૂચ લોકો દેવીને ‘નાની’ કહે છે અને લાલ ચુંદડી, અગરબત્તી, મીણબત્તીઓ, અત્તર અને શરબત ચઢાવે છે અને તેમને ‘નાની પીર’ કહે છે. આ મંદિર પર આક્રમણકારો દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક હિન્દુ અને બલૂચ લોકોએ આ મંદિરને રક્ષણ પૂરું પાડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button