પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…

લાહોરઃ પાકિસ્તાનના નનકાના સાહિબમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શ્રદ્ધાળુ ગુરુ નાનક દેવના 555માં પ્રકાશ પર્વ સમારોહમાં ભાગ લેવા જતો હતો. ઘટના બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ પહેલા શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા છીનવ્યા અને તેનો વિરોધ કરતાં ગોળી મારી હતી. જેમાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : સંસદમાં પરંપરાગત ડાન્સ કરતી અને સ્વદેશી સંધિ બિલની નકલ ફાડતી જોવા મળી સાંસદ
લાહોરથી 60 કિમી દૂર બની ઘટના
મૃતક સિંધ પ્રાંતના લરકાના શહેરનો રહેવાસી હતો. તેની ઓળખ રાજેશ કુમાર તરીકે થઈ છે. રાજેશ કુમાર તેના મિત્ર અને એક પરિવાર સાથે કારમાં લાહોરથી નનકાના સાહેબ જતો હતો. આ દરમિયાન લાહોરથી 60 કિમી દૂર માનાવાલા-નનકાના સાહિબ રોડ પર ત્રણ લુંટારુએ તેમને આંતર્યા હતા.
પોલીસે શું કહ્યું
પોલીસે ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું, બંદૂકધારીએ ત્રણથી ચાર લાખ રૂપિયા અને ચાલક પાસેથી 10,000 રૂપિયા છીનવી લીધા હતા. રાજેશ કુમારે તેનો વિરોધ કરતા લુંટારુએ તેને ગોળી મારીને ભાગી ગયા હતા. બુધવારે રાત્રે લૂંટ અને ગોળીબારીની ઘટના બાદ રાજેશ કુમરાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા,જ્યાં તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને ISIએ આપ્યા હતા હથિયાર: ભારતે પ્રત્યર્પણની કરી માંગ
અજાણ્યા લોકો સામે કેસ
મૃતક રાજેશ કુમારના સંબંધીની ફરિયાદ પર અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વના મુખ્ય સમારોહ ગુરુદ્વારા જન્મસ્થાન નનકાના સાહિબમાં કરવામાં આવ્યું હતું. જેમાં ભારતમાંથી 2500થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા.