કમ્બોડિયામાં હિંદુ ભગવાનની પ્રતિમા તો઼ડી પડાતાં ભારતે નોંધાવ્યો વિરોધ, કોણે કર્યું આ અપકૃત્ય ?

દક્ષિણ-પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સરહદી વિવાદ હવે ધાર્મિક વળાંક લઈ રહ્યો છે. કંબોડિયામાં આવેલી હિન્દુ ભગવાનની એક મૂર્તિને થાઈ સૈન્ય દ્વારા કથિત રીતે તોડી પાડવામાં આવતા ભારત સરકારે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ વિશ્વભરના શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે અને તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે, હિન્દુ અને બૌદ્ધ દેવી-દેવતાઓ આ પ્રદેશની સહિયારી સભ્યતાનો વારસો છે અને લોકોની તેમના પ્રત્યે ઊંડી આસ્થા જોડાયેલી છે. ભારત સરકારે બંને દેશોને સંયમ જાળવવા અને હિંસા છોડીને મુત્સદ્દીગીરી તથા વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે. ભારતનું માનવું છે કે આવા પવિત્ર પ્રતીકોનું અપમાન અટકવું જોઈએ જેથી શાંતિ જળવાઈ રહે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં જેસીબી (બેકહો લોડર) મશીન દ્વારા ભગવાન વિષ્ણુની મૂર્તિને જમીનદોસ્ત કરવામાં આવી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ મૂર્તિ વર્ષ 2014માં સ્થાપિત કરવામાં આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો અને સંસ્કૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો કર્યો છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. જોકે અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો હતો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં ફરીથી સંઘર્ષ ભભૂકી ઉઠ્યો છે. પ્રીહ વિહારના પ્રવક્તા લિમ ચાનપન્હાના જણાવ્યા અનુસાર, મૂર્તિ તોડવાની આ ઘટના કંબોડિયાની સરહદની અંદર એન્ સેસ વિસ્તારમાં બની હતી. તેમણે પણ આ કૃત્યને બૌદ્ધ અને હિન્દુ અનુયાયીઓનું અપમાન ગણાવ્યું છે.
ભારતે આગ્રહ કર્યો છે કે સંપત્તિનું નુકસાન અને માનવ જાનહાનિ રોકવા માટે શાંતિપૂર્ણ માર્ગ અપનાવવો જરૂરી છે. મૂર્તિ તોડવા જેવી બાબતો માત્ર સરહદી ઝઘડો જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાનો નાશ પણ છે. આ મુદ્દે ભારત વૈશ્વિક સ્તરે નજર રાખી રહ્યું છે, કારણ કે આ પ્રદેશમાં હિન્દુ વારસો હજારો વર્ષ જૂનો છે અને તે ભારતની ભાવનાઓ સાથે સીધો જોડાયેલો છે.
આપણ વાંચો: નાતાલનું સેલિબ્રેશન કરવાના છો તો જાણી લો ક્રિસમસ ટ્રીનું મહત્વ શું છે?



