અફઘાનિસ્તાન સાથે વેપાર ઠપ્પ થતાં પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ ‘આસમાને’, લોકોને હાલાકી

ઇસ્લામાબાદ/કાબુલ: તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર સશસ્ત્ર સંઘર્ષ થયો હતો, જેમાં બંને પક્ષે જાનમાલનું નુકશાન થયું હતું. બંને પક્ષો યુદ્ધ વિરામ માટે સહમત થતા હાલ હુમલા બંધ થયા છે, પરંતુ બંને વચ્ચે વેપાર ઠપ્પ થઇ ગયો છે, જેને કારણે બંને દેશોમાં આવશ્યક ચીજવસ્તુઓની તંગી ઉભી થઇ છે. પાકિસ્તાનમાં ટામેટાં અને સફરજનના ભાવ આસમાને પહોંચ્યા છે.
અહેવાલ મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2,600 કિમી (1,600 માઇલ) લાંબી સરહદ છે, 11 ઓક્ટોબરથી સરહદ પરથી આવનજાવન બંધ કરવામાં આવી છે.
એક કિલો ટામેટાનો ભાવ:
બંને દેશો વચ્ચેના ફળો, શાકભાજી, ખનિજો, દવા, ઘઉં, ચોખા, ખાંડ, માંસ અને ડેરી ઉત્પાદનોનો વાર્ષિક 2.3 અબજ ડોલરનો વેપાર થાય છે. હાલ વેપાર બંધ થતા પાકિસ્તાનમાં ટામેટાં તંગી ઉભી થઇ છે, જેને કારણે ટામેટાંના ભાવ 400% થી વધુ વધી ગયા છે, હાલ પાકિસ્તાનમાં એક કિલો ટામેટાંના ભાવ લગભગ 600 પાકિસ્તાની રૂપિયા છે. અફઘાનિસ્તાથી સફરજન આવતા પણ બંધ થઇ ગયા છે, જેને કારણે તેના ભાવ પણ વધી રહ્યા છે.
દરરોજ $1 મિલિયનનું નુકશાન:
કાબુલમાં પાક-અફઘાન ચેમ્બર ઓફ કોમર્સના વડાના જણાવ્યા મુજબ વેપાર અને પરિવહન બંધ બાદ દરરોજ બંને પક્ષોને લગભગ $1 મિલિયનનું નુકશાન થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું, “અમારી પાસે દરરોજ લગભગ 500 કન્ટેનર શાકભાજીની નિકાસ માટે આવે છે, જે હવે સળી રહ્યા છે.”
એક અહેવાલમાં પાકિસ્તાની અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે તોરખામ બોર્ડર ક્રોસિંગ પર સરહદની બંને બાજુ માલસામાન ભરેલા લગભગ 5,000 કન્ટેનર ઉભેલા છે.
વાટાઘાટોમાં હાલ નીકળશે?
તાલિબાને વર્ષ 2021 માં સત્તા મેળવ્યા બાદ બંને દેશો વચ્ચે થયેલી આ સૌથી મોટી લડાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે અફઘાનિસ્તાનમાં શરણ લઇ રહેલા આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને નાગરીકો પર હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારે તાલિબાન સરકારને આ હુમલા રોકવા જણાવ્યું હતું, જો કે તાલિબાને આ આરોપને નકારી કાઢ્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, અફગાનિસ્તાને પણ પકિસ્તાન સામે વળતી કાર્યવાહી કરી હતી.
કતાર અને તુર્કીની મધ્યસ્થીથી બંને પક્ષોમાં યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી, પરંતુ સરહદી પરથી વેપાર બંધ છે. હવે 25 ઓક્ટોબરે ઇસ્તંબુલમાં વાટાઘાટોનો આગામી રાઉન્ડ યોજાશે.
આપણ વાંચો: ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવશે! ગૂગલે મેળવી મોટી સિદ્ધિ, પિચાઈએ કરી જાહેરાત,મસ્કે અભિનંદન આપ્યા…



