ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Video: અમેરિકાના ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર બેકાબુ થઇને નદીમાં ખાબક્યું, 6 લોકોના મોત

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં ગઈ કાલે ગુરુવારે (સ્થાનિક સમય મુજબ) એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના (Helicopter Crash in Newyork) બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થઇને હડસન નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. ન્યુયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટ (NYPD)ના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

અકસ્માત અંગે માહિતી આપતા ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને સ્પેનિશ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતા કહ્યું કે, “વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.”

હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર આકાશમાંથી નીચે પડી રહ્યું છે ત્યારે તેનું પ્રોપેલર ફરી રહ્યું ન હતું. ત્યાર બાદ હેલિકોપ્ટર નદીમાં ખાબકે છે.

આ પણ વાંચો: તુર્કી એરપોર્ટ પર 45 કલાક રોકાયા બાદ મુંબઈ પહોંચી ફલાઈટ, મુસાફરોને પડી આ હાલાકી…

હેલિકોપ્ટર નદીમાં ક્રેશ થયા બાદનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું છે.

અહેવાલ મુજબ અકસ્માત સમયે આકાશ વાદળછાયું હતું, અને પવનની ગતિ 10 થી 15 માઇલ પ્રતિ કલાક હતી. હળવો વરસાદ પડવાની શક્યતા હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે કામ કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button