મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઊંચાઈ જરૂરી, વિયેતનામની યુનિવર્સિટીનો વિચિત્ર આદેશ
આજે પણ શારિરીક કુશળતા દર્શાવવાવાળા ક્ષેત્રમાં વ્યક્તિની ઉંચાઇને મહત્વપૂર્ણ આપવામાં આવે છે, પણ માનસિક કૌશલ્યની જરૂર હોય તેવા ક્ષેત્રમાં ઊંચાઇને જરૂરી ગણવી કે નહીં એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. હવે વિયેતનામની એક યુનિવર્સિટીએ વિચિત્ર ફરમાન કાઢ્યું છે, જેને કારણે ઉંચાઇનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
વિયેતનામની રાજધાની હનોઈની વિયેતનામ નેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસે તેના પ્રવેશ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ વર્ષે, યુનિવર્સિટીએ મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે અન્ય ધોરણોમાં ઊંચાઈનું વિચિત્ર ધોરણ ઉમેર્યું છે, જેમાં છોકરાઓ માટે લઘુત્તમ ઊંચાઈ 5 ફૂટ 4 ઈંચ અને વિદ્યાર્થિનીઓ માટે 5 ફૂટ 2 ઈંચ નક્કી કરવામાં આવી છે. યુનિવર્સિટીનું માનવું છે કે ઊંચાઈ જેવા શારીરિક લક્ષણો આત્મવિશ્વાસ અને નેતૃત્વમાં મોટી ભૂમિકા ભજવે છે.
જોકે, આ પહેલી વાર નથી કે આ યુનિવર્સિટીએ કોર્સમાં પ્રવેશ માટે ઊંચાઇનું ધોરણ ઉમેર્યું હોય. આ પહેલા પણ યુનિવર્સિટીએ તમામ કોર્સ માટે હાઈટ સ્ટાન્ડર્ડનો સમાવેશ કર્યો હતો, પરંતુ વિવાદ વધતા તેને માત્ર મેનેજમેન્ટ અને સિક્યુરિટી કોર્સ માટે જ લાગુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો ધુસ્યોઃ વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો
આ નવો નિયમ લાગુ થયા બાદ લોકોએ વિરોધ શરૂ કર્યો છે. નિષ્ણાતો પણ આ નિયમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષણમાં આવા ધોરણોને સ્થાન ન આપવું જોઈએ. સારા મેનેજર અથવા લીડરની ગુણવત્તા તેની નિર્ણય લેવાની ક્ષમતા, વિચાર અને અન્યને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા પર આધારિત છે.
નિષ્ણાંતો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે સફળતા મેળવવા માટે ઊંચાઇ ખરેખર જરૂરી છે કે પછી એ ગેરમાર્ગે દોરવા માટે છે. આનાથી વિદ્યાર્થીઓની વાસ્તવિક ક્ષમતા સામે પણ સવાલ ઊભા થાય છે.