Nepal માં ભારે વરસાદથી તબાહી, 112 લોકોના મોત

કાઠમંડુ : નેપાળમાં(Nepal)સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. જેમાં વરસાદ બાદ આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. શુક્રવારથી વરસાદને કારણે નેપાળના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ પૂરની ચેતવણી જાહેર કરી છે. પૂરથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે નેપાળના શિક્ષણ મંત્રાલયે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી અરાજકતાને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, સતત વરસાદને કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3,000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, દેશભરમાં 63 સ્થળોએ મુખ્ય રાજમાર્ગો અવરોધિત છે. વરસાદના કારણે નેપાળમાં હજારો લોકો સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત થયા છે. રસ્તાઓ, વિસ્તારો, દુકાનો અને સંસ્થાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે. સેંકડો મકાનોને નુકસાન થયું છે. કાર અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે.
3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત
નેપાળ પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા છે. નેપાળ પોલીસ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદ વચ્ચે લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ શુક્રવારે દેશમાં ખરાબ હવામાનની સ્થિતિને કારણે શનિવાર સવાર સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. નેપાળના હવામાન આગાહી વિભાગે સતત ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નેપાળના 77માંથી 56 જિલ્લા ભારે વરસાદની ઝપેટમાં છે.
Also Read –