યુએઇ અને આસપાસના દેશોમાં ભારે વરસાદ: ઓમાનના પૂરમાં મૃત્યુઆંક વધીને ૧૮ થયો
દુબઈ: સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને પડોશી દેશ ઓમાનમાં ભારે પૂરમાં મૃત્યુઆંક વધીને ૧૮ પર પહોંચી ગયો છે તથા અનેક લોકો હજુ પણ ગુમ હોવાની માહિતી મળી હતી.
વરસાદ રાતોરાત શરૂ થયો હતો, જેના કારણે શેરીઓમાં પાણી ભરાયાં હતાં. પવનના સૂસવાટાએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સને વિક્ષેપિત કરી હતી.
સત્તાવાળાઓએ પાણીને દૂર કરવા માટે ટેન્કર ટ્રકોને શેરીઓ અને હાઇવે પર મોકલ્યા હતા. શુષ્ક, અરબી દ્વીપકલ્પ રાષ્ટ્ર UAE માં વરસાદ અસામાન્ય છે, પરંતુ શિયાળાના ઠંડા મહિનાઓમાં સમયાંતરે થાય છે. નિયમિત વરસાદના અભાવને કારણે ઘણા રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાં ડ્રેનેજનો અભાવ છે, જેના કારણે પૂર આવે છે.
પ્રારંભિક અનુમાન સૂચવે છે કે દુબઈમાં સવારમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં પણ વરસાદ પડ્યો હતો. ઓમાનમાં, તાજેતરના દિવસોમાં ભારે વરસાદમાં ૧૦ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૮ લોકો માર્યા ગયા હતા.