અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદથી હિલ કન્ટ્રી જળમગ્ન, પૂરમાં 24ના મોત 23 ગુમ

ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારે વરસાદનો કાળો કહેર વર્તાય રહ્યો છે. રાજ્યમાં રાતોરાત ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. મળતી માહિતી પ્રમાણે રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી ગુઆડાલુપ નદીનું જળસ્તર અચાનક વધ્યું હતુ. નદીના પાણી શહેરમાં ધૂસ્યા હતા. પાણીના પ્રવાસને કારણે લગભગ 24 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આ વિસ્તારમાં આવેલા એક ગર્લ્સ સમર કેમ્પમાંથી 23 છોકરીઓ હજુ ગુમ છે, જેના કારણે સ્થાનિક અને રાષ્ટ્રીય બચાવ ટીમો તાત્કાલિક બચાવ કાર્યમાં જોતરાઈ છે.
ટેક્સાસમાં આવી અણધારી આફત
કેરવિલે કાઉન્ટીમાં 4 જુલાઈ, 2025ની રાત્રે 10થી 12 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે ગુઆડાલુપ નદીનું પાણી માત્ર બે કલાકમાં 22 ફૂટથી વધુ વધ્યું. અચાનક પાણીનો પ્રવાહ વધવાને કારણે સ્થિતી સંભાળવાના સમય ન મળ્યો. બચાવ ટીમોએ હેલિકોપ્ટર અને બોટની મદદથી 237થી વધુ લોકોને બચાવ્યા, પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના સમાચાર મળી રહ્યા છે.
750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ
હંટ ખાતે આવેલો કેમ્પ મિસ્ટિક, એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ, આ પૂરની ઝપેટમાં આવ્યો. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે 750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ છે, અને તેમની શોધ માટે બચાવકર્મીઓ કામે લાગ્યા છે. કેમ્પે માતાપિતાને જાણ કરી કે, જે બાળકો સુરક્ષિત છે તેમના પરિવારોને સૂચિત કરાયા છે, પરંતુ વીજળી અને રસ્તાઓ ખોરવાતા બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ ગુરુવારે ફ્લેશ ફ્લડ ચેતવણી જારી કરી હતી, પરંતુ વરસાદની તીવ્રતા અણધારી હતી. ગવર્નર ગ્રેગ એબોટે તમામ ઉપલબ્ધ સંસાધનો બચાવ માટે ફાળવ્યા છે.
આ પણ વાંચો…અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ બાદ પૂરથી તારાજી, 13 લોકોના મોત, 20 થી વધુ લોકો લાપતા