ઇન્ટરનેશનલ

લોસ એન્જલસમાં ભારે વરસાદને કારણે તબાહીઃ હજારો ઘરોમાં અંધારપટ

લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં પવન સાથે ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. શહેરના કેટલાક ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ વરસાદ વરસ્યો હતો. શહેરમાં થઇ રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

કેલિફોર્નિયામાં પણ તેની અસર જોવા મળી રહી છે. લોસ એન્જલસમાં ભારે વરસાદની અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. ભારે પવન અને વરસાદથી વીજળી ગૂલ થતાં રાજ્યમાં સાત લાખથી વધુ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા હતા.


વરસાદના કારણે શહેરમાં પૂરની સ્થિતિ છે. નેશનલ વેધર સર્વિસે અહેવાલ આપ્યો હતો કે લોસ એન્જલસમાં લગભગ પાંચથી 10 ઇંચ (12.7થી 25.4 સેન્ટિમીટર) વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.

લોસ એન્જલસ અને કેલિફોર્નિયામાં તોફાની વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘરો અને રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા છે. આ સમયગાળાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઘર વિહોણા થયેલા કેટલાક લોકો છાવણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઉત્તરી કેલિફોર્નિયામાં આવેલા તોફાનના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મંગળવારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પરંતુ પૂરનો ખતરો યથાવત છે.

શહેરના અધિકારીઓએ કહ્યું હતું હોલિવૂડ હિલ્સ પાસે વરસાદના પાણીમાં લોકોનો સામાન તણાઇ ગયો હતો. બે ઘરને નુકસાન પહોંચ્યું હતું, જેમાંથી 16 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 1,000 ફાયર ફાઇટર્સ વાહનોમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

હવામાન સેવા સધર્ન કેલિફોર્નિયાના દરિયાકાંઠાના અને ખીણ વિસ્તારોમાં 8 ઇંચ (20 સેન્ટિમીટર) સુધી વરસાદની આગાહી કરી હતી. આગામી બે દિવસમાં તળેટી અને પર્વતોમાં 14 ઇંચ (35 સેન્ટિમીટર) વરસાદની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button