ટ્રમ્પની હાજરીમાં જ મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર દલીલ, જાણો શું હતું કારણ…

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ અનેક આકરા નિર્ણય લીધા છે. તેમાંથી અમુક નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ તંત્રએ આવો જ એક નિર્ણય સ્ટાફ ઘટાડાનો કર્યો છે. જેની રાજકીય નેતાઓની સાથે સાથે અન્ય લોકો પણ ટિકા કરી ચુક્યા છે. આ નિર્ણયના કારણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને DOGEના પ્રમુખ ઇલોન મસ્ક વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. રિપોર્ટ પ્રમાણે, કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પની હાજરીમાં જ બંને બાખડી પડ્યા હતા. જોકે બાદમાં ટ્રમ્પે મસ્ક અને રૂબિયો વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાતનું ખંડન કર્યું હતું.
Also read : હવે પાકિસ્તાનીઓ અને અફઘાન લોકો અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે! ટ્રમ્પ કરી શકે છે જાહેરાત
ટ્રમ્પ જોતાં જ રહી ગયા
ટ્રમ્પની હાજરીમાં જ અમેરિકાના વિદેશ મંત્રીએ મસ્ક પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. આ બંને વચ્ચે કર્મચારીની સંખ્યામાં ઘટાડા મુદ્દે ચર્ચા થઈ હતી. બંને વચ્ચે આવી ઉગ્ર ચર્ચાને ટ્રમ્પ જોતાં જ રહી ગયા હતા. વિદેશ મંત્રી રૂબિયોની મસ્ક ઉપરાંત પરિવહન પ્રધાન સાથે પણ ઉગ્ર દલીલ થઈ હતી. ટ્રમ્પે તેમની કેબિનેટ મીટિંગમાં સ્ટાફ અને નીતિ અંગેનો અંતિમ ફેંસલો તેમનો હશે, મસ્કનો નહીં તેમ કહ્યું હતું. જે બાદ આ સમગ્ર ઘટનાક્રમ થયો હતો. તાજેતરમાં અમેરિકામાં મોટા પાયે સરકારી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
કેમ બોલાવવામાં આવી હતી બેઠક
રુબિયોએ મસ્ક પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટના 1,500 કર્મચારીઓએ અકાળે નિવૃત્તિ લીધી છે. રુબિયોએ વ્યંગાત્મક રીતે પૂછ્યું કે શું મસ્ક ઇચ્છે છે કે તેઓ તે બધા લોકોને ફરીથી નોકરી પર રાખે જેથી તેઓ તેમને ફરીથી બરતરફ કરવાનો ઢોંગ કરી શકે.
એજન્સીના વડાઓથી લઈને ચીફ ઓફ સ્ટાફ સુઝી વિલ્સ સહિત વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓ સુધીના મસ્ક ઓપરેશનના કડક અભિગમ વિશેની ફરિયાદો બાદ આ બેઠક બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રને કર્મચારીઓમાં કાપ મૂકવાના આ નિર્ણય સામે તેના જ મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.
Also read : Video: ઈલોન મસ્કની Space Xનું વધુ એક લોન્ચ ફેઈલ; રોકેટ હવામાં જ ફાટી પડ્યું; જુઓ વિડીયો
ટ્રમ્પે આરોપો નકાર્યા
જો કે, શુક્રવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેના સત્ર દરમિયાન, જ્યારે ટ્રમ્પને ટાઇમ્સના અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, બંનેમાં કોઈ ટકરાવ નથી થયો, હું ત્યાં હતો. ઇલોન મસ્ક માર્કો રુબિયો સાથે ખૂબ સારી રીતે મળે છે અને તેઓ બંને સારું કામ કરી રહ્યા છે.