ઇન્ટરનેશનલ

2050 સુધીમાં ગરમીના કારણે મૃત્યુઆંક 4.7 ગણો વધી શકે છે, લેન્સેટના અહેવાલમાં દાવો

સતત કાર્બન ઉત્સર્જનને કારણે વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આગામી દાયકામાં માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. ચાલુ વર્ષ 2023માં છેલ્લા 1,00,000 વર્ષોમાં સૌથી વધુ વૈશ્વિક તાપમાન નોંધાયું હતું. તમામ ખંડોમાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ધ લેન્સેટ કાઉન્ટડાઉનની તાજેતરની આવૃત્તિએ જણાવ્યું હતું કે વધતું તાપમાન ભવિષ્યમાં આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. સદીના મધ્ય સુધીમાં વિશ્વભરમાં ગરમી કારણે થતા મૃત્યુની સંખ્યમાં 4.7 ગણો વધારો થઇ શકે છે.

સાયન્સ મેગેઝિન ધ લેન્સેટમાં કહેવામાં આવ્યું છે કે સદીના અંત સુધીમાં એકંદર તાપમાનમાં કોઈ પણ સંજોગોમાં દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધુ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિશ્વએ પ્રયાસો કરવા જોઈએ. આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર પ્રકાશિત થયેલ લેન્સેટ મેગેઝીનનો આ આઠમો વાર્ષિક અહેવાલ છે.

અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે આબોહવા પરિવર્તન આજે લોકોના જીવન અને આજીવિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વર્ષ 2022 માં લોકો સરેરાશ 86 દિવસ માટે આરોગ્યને નુકસાન પહોંચાડનારા ઊંચા તાપમાનના હેઠળ રહ્યા હતા.

ગરમી સંબંધિત વાર્ષિક મૃત્યુમાં સદીના મધ્ય સુધીમાં 370 ટકાનો વધારો થવાનો અંદાજ છે. વધુ વારંવારના હીટવેવ્સને કારણે 2041-2060 સુધીમાં આશરે 525 મિલિયન વધુ લોકો મધ્યમથી ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી શકે છે, જેનાથી કુપોષણનું વૈશ્વિક જોખમ વધી શકે છે.

હજુ પણ સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે 1,337 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે. અહેવાલના લેખકોએ સરકારો, કંપનીઓ અને બેંકોની “બેજવાબદારી”ની નિંદા કરી છે કે જેઓ પેટ્રોલીયમ અને ગેસમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. વિશ્વના 20 સૌથી મોટા તેલ અને ગેસ ઉત્પાદકોએ ગયા વર્ષથી તેમના અંદાજિત પેટ્રોલીયમ ઉત્પાદન સ્તરમાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ જો આબોહવા પરિવર્તનના મૂળ કારણોને પહોંચી વળવા ગહન અને ઝડપી પગલાં લેવામાં ન આવે તો સમગ્ર માનવતાનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં છે.

યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોની આગેવાની હેઠળ, આ વિશ્લેષણ વિશ્વભરની 52 સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને વિશ્વ હવામાન સંસ્થા (WMO)નો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button