ઇઝરાયલના સવાલ પૂછતા હમાસ પ્રવક્તા થયા નારાજ, માઇક પટકીને કહ્યું બંધ કરો ઇન્ટરવ્યુ | મુંબઈ સમાચાર

ઇઝરાયલના સવાલ પૂછતા હમાસ પ્રવક્તા થયા નારાજ, માઇક પટકીને કહ્યું બંધ કરો ઇન્ટરવ્યુ

ગાઝા: ઇઝરાયલની સીમાઓ પર હુમલા દરમિયાન કોઇ નાગરિકને મારવાનો આદેશ ન હતો તેવો ઘટસ્ફોટ હમાસના પ્રવક્તા અને ગાઝામાં ઉપવિદેશમંત્રી ગાઝી હમદે બીબીસીના પત્રકાર સાથેના ઇન્ટરવ્યુમાં કર્યો છે. જો કે એ હકીકત છે કે હમાસે ઇઝરાયલ પર 7 ઑક્ટોબરના રોજ કરેલા હુમલામાં સેંકડો સ્થાનિકોની હત્યા કરી નાખી હતી.

ઇઝરાયલના નાગરિકોની ઘાતકી હત્યાના અનેક ફોટો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં પોતાના ઘરની પથારી પર જ ઉંઘમાં જ તેમને હમાસના આતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. હમાસના પ્રવક્તાએ જણાવ્યું કે તે સમયે અનેક જગ્યાએ અથડામણ ચાલી રહી હતી, તે અમારુ એક મિલિટરી ઓપરેશન હતું અને અમારા સૈનિકો નાગરિકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. જો કે આ જવાબથી સંતોષ ન થતા બીબીસીના પત્રકારે હમાસના પ્રવક્તાને તેમના સૈન્ય દ્વારા થયેલી ઘાતકી હત્યાઓને વાજબી ઠેરવવા જણાવ્યું હતું, જે પછી હમાસના પ્રવક્તાએ આવેશમાં આવી જઇને માઇક પટકી દીધું અને ઇન્ટરવ્યુ રોકવા કહ્યું.

હમાસે ઇઝરાયલ પર 7 ઑક્ટોબરના રોજ કરેલા હુમલામાં 1,400 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકોને બંધક બનાવાયા હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયલ પણ જવાબી કાર્યવાહીમાં ગાઝામાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, લડાઈ શરૂ થઈ ત્યારથી ગાઝામાં 7,000 થી વધુ લોકો માર્યા ગયા છે.

સંબંધિત લેખો

Back to top button