ઇન્ટરનેશનલ

હમાસે ત્રણ મહિલા બંધકોને મુક્ત કર્યા, જાણો કોણ છે આ મહિલાઓ

તેલ અવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરારને ગઈ કાલે રવિવારથી લાગુ કરી દેવામાં (Israel Hamas Ceasefire) આવ્યો છે, કરાર હેઠળ બંને તરફથી બંધકોને છોડવામાં આવી રહ્યા છે. ગઈ કાલે હમાસે ત્રણ ઇઝરાયલી મહિલાઓને મુક્ત કરી હતી, 12 ઓક્ટોબર 2023ના રોજ અપહરણ કરાયાના 471 દિવસ બાદ આ મહિલાઓ વતન પરત ફરી છે. આ ત્રણેય મહિલાઓના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જયારે ઈઝરાયેલે પણ ૩૦ પેલેસ્ટીનીયન નાગરિકોને મુક્ત કર્યા છે, જેઓ વર્ષોથી ઇઝરાયલની જેલોમાં સબડી રહ્યા હતાં.

હમાસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કાના ભાગ રૂપે ત્રણ ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરશે. સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યે ત્રણ મહિલાઓને છોડવામાં આવી હતી. ઇઝરાયલ સરકારે ત્રણ મહિલાઓના નામની પુષ્ટિ કરી નથી. પરંતુ હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમિલીઝ ફોરમે તેમના નામ જાહેર કર્યા છે.

કોણ છે મહિલાઓ:
અહેવાલ મુજબ હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમિલીઝ ફોરમે જણાવ્યું કે 24 વર્ષીય રોમી ગોનેન, 31 વર્ષીય ડોરોન સ્ટેઈનબ્રેચર, અને 28 વર્ષીય એમિલી ડામારીને મુક્ત કરવામાં આવી છે. જો કે હમાસ પાસે હજુ પણ ઇઝરાયેલના ૩૦ બંધકો છે, જેને તબક્કાવાર છોડવામાં આવશે.

રોમી ગોનેન:
23 વર્ષીય રોમી ગોનેન એક ડાન્સર છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી હમાસના લડવૈયાઓએ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગોનેન તેના મિત્રો સાથે કલાકો સુધી બંદૂકધારીઓથી છુપાઈ રહી. ગોનેને તેના પરિવાર સાથે છેલ્લે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેણે કહ્યું હતું કે એ મરી જશે. હુમલાખોરોને છેલ્લે અરબીમાં કહેતા સાંભળવામાં આવ્યા હતા, ‘તે જીવિત છે, ચાલો તેને લઈ જઈએ.’ બાદમાં તેનો ફોન ગાઝા પટ્ટીમાં ટ્રેસ કરવામાં આવ્યો.

ડોરોન સ્ટેઇનબ્રેચર:
ડોરોન સ્ટેઈનબ્રેચર વેટરનરી નર્સ છે. તેને 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન કિબુત્ઝ કફર અઝા સ્થિત તેના ઘરેથી ગાઝા લઇ જવામાં આવી હતી. હુમલો શરૂ થયાના થોડા કલાકો પછી, ડોરોને તેના માતાપિતાને ફોન કરીને કહ્યું કે તે ગભરાયેલી છે અને બંદૂકધારીઓ તેના મકાનમાં ઘૂસી ગયા છે. ત્યારબાદ તેણે તેના મિત્રોને એક વોઇસ મેસેજ મોકલ્યો જેમાં તેણે કહ્યું હતું કે “તેઓ અહીં આવી ગયા છે, તેઓ મને પકડી જશે”.

એમિલી ડામર:
28 વર્ષીય દામારી એક બ્રિટિશ-ઇઝરાયલી નાગરિક છે જેનું કિબુત્ઝ કફર અઝા સ્થિત તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે લંડનમાં મોટી થઈ છે અને ટોટનહામ હોટ્સપુર ફૂટબોલ ટીમની ચાહક છે. તેની માતાના જણાવ્યા મુજબ, તેને હાથમાં ગોળી મારવામાં આવી હતી, આંખે પાટા બાંધવામાં આવ્યા હતા, કારની પાછળ બાંધીને ગાઝા લઈ જવામાં આવી હતી.

ઇઝરાયલે પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા:
ઇઝરાયલી જેલમાંથી ૩૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે વેસ્ટ બેંકમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ઇઝરાયલી લશ્કરી અધિકારીઓએ જાહેરમાં ઉત્સવ રેલીઓ ન યોજવા ચેતવણી આપી છે.

આ પણ વાંચો…Israel Gaza Ceasefire: પીએમ નેતન્યાહૂએ કરી યુદ્ધ વિરામની જાહેરાત , જાણો કયારથી અમલી

આ યુદ્ધવિરામ 42 દિવસ સુધી ચાલશે, જેમાં આગામી તબક્કામાં 30 ઈઝરાયેલી બંધકો અને લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

ગાઝામાં નરસંહાર:
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં 46,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. યુદ્ધને કારણે ગાઝાની 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ છે, ગાઝાનો મોટાભાગનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button