હમાસે તમામ જીવિત ઇઝરાયલી બંધકોને છોડ્યા; ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમ પહોંચ્યા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

હમાસે તમામ જીવિત ઇઝરાયલી બંધકોને છોડ્યા; ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમ પહોંચ્યા

તેલ અવિવ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજુ કરવામાં આવેલી ગાઝા શાંતિ યોજના હેઠળ યુદ્ધ વિરામ કરવા, બંધકો-કેદીઓને મુક્ત કરવા ઇઝરાયલ અને હમાસ બંને પક્ષ સહમત થયા હતાં, હવે તેના પર અમલ કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયલે ગાઝા પર હુમલા બંધ કર્યા છે, ત્યારે હમાસે તમામ જીવિત ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે, હવે ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.

બંને પક્ષ વચ્ચે બંધકો અને કેદીઓની અદલાબદલી માટે રેડ ક્રોસ માધ્યમ બની રહી છે. રેડ ક્રોસના જણાવ્યા મુજબ સોમવારે હમાસે તમામ 20 જીવિત ઇઝરાયલી બંધકોની કસ્ટડી આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપી છે. બંધકોની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે હજુ કોઈ અપડેટ મળી નથી.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ(IDF) એ જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા સાત બંધકોને IDF અને ISAને સોંપવામાં આવ્યા છે. અન્ય બંધકોને લેવા રેડ ક્રોસની ટીમ દક્ષિણ ગાઝામાં એક મીટિંગ પોઇન્ટ તરફ જઈ રહી છે.

હમાસની કેદમાં મૃત્યુ પામેલા 28 બંધકોના અવશેષો પરત કરવામાં આવશે કે કેમ એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી.

હવે ઇઝરાયલનો વારો:

ઇઝરાયલની નાકાબંધીને કારણે ગાઝામાં ગંભીર ત્રાસદી ઉભી થઇ છે, હવે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચે એની રાહ જોવામાં આવી રહી છે. લાખો લોકોને ખોરાક, પાણી, કપડા, દવા અને આશ્રાયની ખાસ જરૂર છે. હવે કરાર હેઠળ ઇઝરાયલ 1,900 થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ હસ્તાંતરણને ગાઝામાં શાંતિ સ્થાપવા તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ટ્રમ્પ ઇઝરાયલ પહોંચ્યા:

યુએસ રાષ્ટ્રપતિ આજે સોમવારે ઇઝરાયલના પાટનગર જેરુસલેમ પહોંચ્યા છે, તેઓ ઇઝરાયલની સંસદ નેસેટમાં સંબોધન આપશે, તેઓ ઇઝરાયલી બંધકોના પરિવારને પણ મળશે, ત્યાર બાદ ગાઝા શાંતિ સમિટ માટે ઇજિપ્ત જશે.

આ પણ વાંચો…‘ગાઝામાં યુદ્ધ સમાપ્ત થયું…’ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યપૂર્વ માટે રવાના થયા…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button