હમાસે યુદ્ધવિરામને બદલે યુદ્ધ પસંદ કર્યું, હવે તેમને ખતમ કરી નાખશુંઃ જાણો કોણે કહ્યું આમ

ગાઝા પટ્ટી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)ના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગરીએ કહ્યું કે તેઓ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો માટે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો.
હગરીએ કહ્યું કે અમારી સેનાએ સાત દિવસના યુદ્ધવિરામનો વિકલ્પ આપ્યો હતો જેથી ગુપ્ત માહિતીની સમીક્ષા કરી શકાય. હમાસે આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પહેલી ડિસેમ્બરના રોજ યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી, હગરીએ કહ્યું કે હમાસ સંગઠનએ બંધકોની મુક્તિને નકારીને સામેથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યું છે. અમે હમાસ વિરુદ્ધ યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આતંકવાદી સંગઠનએ બંધક બનાવવામાં આવેલી મહિલાઓ અને શિશુઓને મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. હમાસે ઈઝરાયલના ઘરો પર રોકેટ પણ છોડ્યા જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આતંકવાદી સંગઠનએ યુદ્ધ પસંદ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
હગરીએ જણાવ્યું હતું કે હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. અમારા ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. હાલમાં પણ તેણે લગભગ 137 લોકોને બંધક બનાવ્યા છે. IDFના પ્રવક્તાએ બંધકોની મુક્તિ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે મદદ માંગી છે. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયમાં કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડા પ્રધાનની સાથે IDF ચીફ ઑફ સ્ટાફ, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા, મોસાદના વડા, શિન બેટના વડા અને સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ પણ હાજર રહ્યા હોવાની માહિતી અહેવાલો દ્વારા મળી હતી.