હમાસની ક્રૂરતાઃ ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલી જર્મન મહિલાનો મૃતદેહ મળ્યો
ગાઝા: હમાસના આંતકવાદીઓએ 7 ઓક્ટોબરે ઇઝરાયલના દક્ષિણ ભાગમાંથી જે જર્મન મહિલાનું અપહરણ કર્યું હતું તે મહિલાનું મોત થયું છે અને તેનો મૃતદેહ ગાઝામાં ઇઝરાયલના સૈનિકોને મળી આવ્યો છે. પીડિતાના પરિવાર અને ઇઝરાયલ સરકારે સોમવારે તેની પુષ્ટિ કરી હતી.
23 વર્ષીય શની લુક નામની આ મહિલાએ ગાઝા પાસે આવેલા એક ઇઝરાયલી શહેરમાં 7 ઓક્ટોબરે યોજાયેલા સુપરનોવા સંગીત સમારોહમાં ભાગ લીધો હતો. જે અચાનક થયેલા હમાસના હુમલાને પગલે લાપતા થઇ ગઇ હતી.
શની લુકના લાપતા થયા બાદ તેમની માતા રિકાર્ડા લુકે પોતાની એક અપીલમાં જર્મન અને ઇઝરાયલી સરકાર પાસે તેને પરત લાવવાની માગ કરી હતી. તેની આ અપીલ સોશિયલ મીડિયામાં ઘણી વાઇરલ થઇ હતી. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે મારી પુત્રી પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીની આસપાસ કોઇક કારમાં બેભાન અવસ્થામાં પડી હોય તેવો એક વીડિયો અમને મોકલવામાં આવ્યો છે.
23 વર્ષીય મહિલાને પકડ્યા બાદ પિકઅપ ટ્રકમાં નગ્ન હાલતમાં ફેરવવામાં આવી હતી. આતંકી હુમલા બાદ તરત એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં શની એક પિકઅપ ટ્રકમાં ઉંધી થઇને સૂતેલી છે. વીડિયોમાં તેના પરિવારજનોએ તેના ટેટુ અને વાળ પરથી તેની ઓળખ કરી હતી.
ઇઝરાયલ સરકારે તેમના X એકાઉન્ટ પર શની લુકના મોતની પુષ્ટિ કરતા લખ્યું હતું કે, “શનીનું એક સંગીત સમારોહમાંથી અપહરણ કરાયું હતું અને હમાસના આતંકવાદીઓએ તેને ગાઝાની ચારેયબાજુ ફેરવી અને તેને શારીરિક ત્રાસ આપ્યો હતો. અમને એ જણાવતા અત્યંત દુ:ખ થાય છે કે 23 વર્ષીય શની લુકનો મૃતદેહ મળી આવ્યો છે.”
હમાસના હુમલાની કેટલીક ક્ષણો પહેલા શની સંગીત સમારોહમાં તેના મિત્રો સાથે નાચી-ગાઇ રહી હોય તેવી ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી. હુમલો થયો એ વખતે તે ભાગી રહી હતી પરંતુ કેટલાક આતંકીઓના હાથમાં તે આવી જતા તેને ગાઝા લઇ જવામાં આવી હતી. જ્યાં તેના પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.