હજ યાત્રીઓ પર ગરમીનો કહર જારી, 90 ભારતીય સહિત 900 લોકોએ ગુમાવ્યા જાન

સાઉદી આરબમાં આકરી ગરમીનો પ્રકોપ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મક્કા-મદીના પહોંચતા હજ યાત્રીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હીટવેવ અને હીટસ્ટ્રોકના કારણે મૃત્યુઆંક 900 ને વટાવી ગયો છે અને 1,400 હજ યાત્રીઓ ગુમ છે. આરબ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગરમીના મોજામાં માર્યા ગયેલા લોકોમાં 600 ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે, જ્યારે 68 ભારતીય હજ યાત્રીઓ પણ મૃત્યુ પામ્યા છે. જો કે, મક્કા-મદીનામાં મૃત્યુ પામેલા ભારતીય હજ યાત્રીઓની કુલ સંખ્યા 90 છે.
સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમી વચ્ચે હજ યાત્રીઓ મક્કા-મદીના જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાની મુલાકાત લેનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 1.8 મિલિયનને વટાવી ગઈ છે. જો કે, ઉનાળાની ગરમી ચાલી રહી છે. સોમવારે અહીં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. બુધવારના રોજ કાળઝાળ ગરમી અને હીટવેવને કારણે મૃત્યુઆંક 900ને વટાવી ગયો હતો. આરબ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકલા ઇજિપ્તમાં 600 લોકોના મોત થયા હતા. એક આરબ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એકલા ઇજિપ્તમાંથી જ મક્કા હજ માટે આવેલા “ઓછામાં ઓછો 600” લોકો મોતને ભેટ્યા છે. એક દિવસ પહેલા આ આંકડો 300 કરતા થોડો વધારે હતો.
આ પણ વાંચો : Haj Yatra : હજ માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના ગરમીથી મૃત્યુ
તેમણે કહ્યું કે મૃત્યુનું કારણ અસહ્ય ગરમી છે. વિવિધ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મક્કા-મદીના તીર્થયાત્રામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 922 પર પહોંચી ગયો છે. આરબ અધિકારીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના સત્તાવાળાઓને ઇજિપ્તમાંથી 1,400 યાત્રાળુઓ ગુમ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાંથી 600 મૃત્યુ પામ્યા છે. સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના પ્રિયજનોને શોધવા માટે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિયાન શરૂ કર્યું છે. લોકો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. સાઉદી અરેબિયાના એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના વૃદ્ધ યાત્રાળુઓ હતા, જેઓ ભારે ગરમી સહન કરી શક્યા ન હતા અને હીટસ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજ યાત્રા એ ઇસ્લામની મહત્વની યાત્રા છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરેબિયામાં મક્કા-મદીનાની મુલાકાત લે છે. આ વર્ષની હજ યાત્રા દરમિયાન કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. 2023 માં હજ દરમિયાન 200 થી વધુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા અને 2,000 થી વધુ લોકોને ગરમીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.