ઇન્ટરનેશનલ

ભારતીય ટેક વર્કર્સની મુશ્કેલી વધશે! ટ્રમ્પના વિઝા ફી વધારાના નિર્ણય પર કોર્ટની મહોર

વોશિંગ્ટન ડીસી: અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન એજન્ડાને અમેરિકી અદાલત તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનના એ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે જેમાં H1B વિઝાની ફીમાં તોતિંગ વધારો કરવાની જોગવાઈ છે. આ નિર્ણયથી અમેરિકી ટેક કંપનીઓ અને વિદેશી કામદારો બંનેમાં ફાળ પડી છે, કારણ કે હવે અમેરિકામાં કામ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજે મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન નવા H1B વિઝા અરજીઓ પર 100000 ડોલરની ફી વસૂલવાની પ્રક્રિયા આગળ ધપાવી શકે છે. કોર્ટે યુએસ ચેમ્બર ઓફ કોમર્સની દલીલોને ફગાવી દેતા કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આવા નિર્ણયો લેવાની કાયદેસરની સત્તા છે. અત્યાર સુધી આ ફી 2000 થી 5000 ડોલરની આસપાસ રહેતી હતી, જે હવે સીધી 1 લાખ ડોલર કરી દેવામાં આવી છે.

આ નવા નિયમની સૌથી માઠી અસર ભારતીયો પર પડશે તે નક્કી છે. આંકડા મુજબ, દર વર્ષે જારી કરવામાં આવતા H1B વિઝામાં ભારતીયોનો હિસ્સો અંદાજે 70% જેટલો હોય છે. ભારતની મોટી આઈટી કંપનીઓ જેમ કે TCS, Infosys અને Wipro પોતાના કર્મચારીઓને અમેરિકા મોકલવા માટે આ વિઝાનો ઉપયોગ કરે છે. ફીમાં થયેલો આ અસહ્ય વધારો કંપનીઓના ખર્ચમાં જંગી વધારો કરશે, જેના કારણે ભારતીય આઈટી સેક્ટરના માર્જિન પર દબાણ આવશે અને ભરતી પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે.

માત્ર ફી વધારો જ નહીં, પરંતુ ટ્રમ્પ પ્રશાસને H1B વિઝા માટે વર્ષોથી ચાલી આવતી લોટરી સિસ્ટમને પણ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હવે નસીબને બદલે વધુ વેતન મેળવતા કુશળ કામદારોને પ્રાથમિકતા આપવામાં આવશે. નવા નિયમો 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવવાની શક્યતા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી કામદારો (US Workers) ને રોજગારીમાં રક્ષણ આપવાનો અને ટેક ક્ષેત્રે માત્ર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશીઓને જ સ્થાન આપવાનો છે.

અમેરિકાની જાયન્ટ ટેક કંપનીઓ જેમ કે ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એપલ વિદેશી ટેલેન્ટ પર ખૂબ નિર્ભર છે. નિષ્ણાતોનું માનવું છે કે ફીમાં થયેલો આ વધારો પ્રતિભાશાળી લોકોને અમેરિકા આવતા અટકાવી શકે છે અથવા કંપનીઓને આઉટસોર્સિંગ તરફ ધકેલી શકે છે. હાલમાં અમેરિકા પ્રતિ વર્ષ 65000 સામાન્ય અને 20000 ઉચ્ચ ડિગ્રી ધારકોને વિઝા આપે છે. હવે આ આખી સિસ્ટમ બદલાઈ જવાથી વૈશ્વિક સ્તરે ટેલેન્ટના પ્રવાહમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.

આપણ વાંચો:  તરંગી ટ્રમ્પના આ નિર્ણયને કારણે 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓેએ ભારત પાછા ફરવું પડે એવી હાલત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button